ભરૂચ

ભરૂચ નગરપાલિકા વિવાદોમાં ઘેરાયેલું રહે છે તે વાત નવી નથી. સામાન્ય સભામાં સત્તાપક્ષ દ્વારા જાણી જોઈને વિલંબ થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે આગામી ૭૨ કલાકમાં સામાન્ય સભા યોજવામાં આવે તેવા અલટીમેટમ સામે પાલિકા તંત્ર દ્વારા પોલીસ પ્રોટેક્શન રાખવામાં આવે તે વાત નવી છે. બે દિવસ અગાઉ નગરપાલિકા વિપક્ષના સભ્યો દ્વારા આગામી ૭૨ કલાકમાં સામાન્ય સભા યોજવા નગરપાલિકા પ્રમુખ સામે હુંકાર કરી હતી. જેના પગલે નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના કે ઘર્ષણ ન સર્જાય તે અર્થે પોલીસ બંદોબસ્ત પણ એક દિવસ અગાઉ ગોઠવી દીધો હતો. એક તરફ પેટા ચૂંટણી ટાણે નેતાઓ મોટા મોટા સરઘસ કાઢી શકતા હોય, પંડાલોમાં સભા ભરી શકતાં હોય તો પાલિકા તંત્ર સામાન્ય સભા યોજવા કેમ વિલંબ કરી રહ્યું છે તે જાણવા મળ્યું નથી.

વિપક્ષના નેતા અને કોર્પોરેટર સમસાદ અલી સૈયદના જણાવ્યા અનુસાર નગરપાલિકા તંત્રની સામાન્ય સભા સમયસર યોજાય તે જરૂરી છે, લોકોને તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીનો હિસાબ સમયસર મળવો જોઈએ, કોરોના મહામારીના કારણે સામાન્ય સભાનું વિલંબ યોગ્ય છે પણ એક હોલમાં ૫૦ લોકો ભેગા થઈ ૧૨ કરોડની ગ્રાન્ટનું અને તેની યોજનાઓનું લોકાપર્ણ કરી શકે છે પણ આ જ લોકો સામાન્ય સભા યોજી શકતાં નથી. સામાન્ય સભા પાલિકા તંત્ર નહિ યોજે તો અમે એક સભાનું આયોજન કરીશું અને પાલિકાના કામોના ચિથ્થા બહાર પાડીશું, પણ સામાન્ય સભા તો યોજીને જ રહીશું.

ત્યારે પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાળાએ જણાવ્યું હતું કે એક સર્ક્‌યુલર ઠરાવ પસાર કર્યો બાદ હાલમાં કોઈ સામાન્ય સભા યોજાય તેવી કોઈ શક્યતા નથી.