વડોદરા, તા.૫

સાવલી તાલુકાના વેમાર વસાહત નજીક આવેલી વરીધી હાઈજીન પ્રોડક્ટ લિમિટેડ નામની ટીસ્યુ પેપર બનાવતી કંપનીમાં સાંજે છ વાગ્યાની અસપાસ અચાનક આગ લાગતાં નાસભાગ મચી હતી. આ બનાવની જાણ થતાં મંજુસર જીઆઈડીસી, સાવલી નગરપાલિકા, વડોદરા ફાયર બ્રિગેડ સહિતના ૭ જેટલા ફાયર ફાઈટરોની મદદથી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. લાશ્કરોએ કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં કંપનીમાં મુકેલ મટિરિયલ, શેડ સહિત વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.મળતી માહિતી પ્રમાણે સાવલી તાલુકાના સમલાયા પંથકમાં વેમાર વસાહત નજીક આવેલી વરીધી હાઇજેનિક પ્રોડકશન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી. આ બનાવના પગલે લોકટોળાં ઉમટી પડયાં હતાં અને આગ બુઝાવવા માટે ૭ ફાયર ફાયટરોની મદદ લેવામાં આવી હતી જેમાં મંજુસર જીઆઈડીસી તેમજ સાવલી નગરપાલિકા, નિરમાનું કાલોલ તેમજ વડોદરા મહાનગરપાલિકાના ફાયર ફાઈટર પહોંચ્યા હતા, તેમ છતાં આગ કાબૂમાં આવી ન હતી. ટીશ્યુ પેપર બનાવતી કંપનીમાં રો-મટિરિયલ અને ઉત્પાદિત મટિરિયલ હોઈ તેના લીધે જાેતજાેતામાં આગ પ્રસરી ઊઠી હતી. આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. બનાવના પગલે કોઈ જાનહાનિ થયાના અહેવાલ સાંપડી રહ્યા નથી. જ્યારે આર્થિક નુકશાન મોટું હોઇ શકે છે. આગ બાબતે કંપની સત્તાવાળાઓએ કંઇપણ બોલવાનો ઇનકાર કર્યો હતો. જાે કે ફરી એક વખત સાવલી તાલુકામાં ઔદ્યોગિક એકમો દ્વારા ફાયર સુવિધાની અનદેખી કરતા જાેવા મળ્યા હતા અને કાગળ જેવી જ્વલનશીલ પદાર્થનું ઉત્પાદન કરતા હોવા છતાં ફાયર સેફ્ટીની સુવિધાનું સદંતર અભાવ જાેવા મળ્યો હતો. આગની જ્વાળાઓ ભારે લપકારા મારતી બિહામણી જણાતી હતી, જ્યારે આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે કંપનીનો શેડ પણ આગની તીવ્રતાથી નમી પડ્યો હતો.