સુરેન્દ્રનગર-

આપણે ઘણી ફિલ્મોમાં એક ડાયલોગ સાંભળ્યો છે કે, 'ખૂન કા બદલા ખૂન.' આવી જ એક ઘટના ચુડા તાલુકાનાં કોરડા ગામમાં બની છે. કોરડા ગામમાં કાઠી દરબારનું ગામના જ એક વ્યક્તિએ ઘાતકી મોત નીપજાવતા ચકચાર મચી ગઇ છે. જે વ્યક્તિએ અકસ્માત સર્જીને મોત નીપજાવ્યું છે તે આરોપી અજીત કલાભાઈ અણીયાળિયાના કાકાની વર્ષ ૨૦૧૬માં હત્યા થઇ હતી. જેનો બદલો લેવા માટે આરોપીએ આ ઘાતકી અકસ્માત કરીને મોત નીપજાવ્યાની વાત સામે આવી રહી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ચુડા તાલુકાના કોરડા ગામના રણુભાઈ મેરૂભાઈ ખાચર ભાણેજડા ગામની વાડીએ જઈ રહ્યા હતા. તેમના ભત્રીજા શિવરાજભાઈ ખાચર ચૂડા જવા માટે રોડ પર ઊભા હતા. ત્યારે અજીત કલાભાઈ અણીયાળિયા કાર લઈને તેમની પાસે આવીને કહ્યું હતું કે, 'તમે કાઠીઓએ ૫ વર્ષ પહેલાં મારા કાકાનું ખૂન કર્યું હતું. તેનું પરિણામ અત્યારે શું આવે છે તે તમને થોડીવારમાં ખબર પડશે.' તેમ કહી અજીત જતો રહ્યો હતો. ૧૫ મિનિટ પછી રણુભાઈ ખાચર લોહી લુહાણ હાલતમાં રસ્તા પર પડ્યા હોવાના સમાચાર શિવરાજભાઈને મળ્યાં હતા. જેથી તેઓ તરત જ ભાઈને લઈ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ગંભીર રીતે ઘાયલ રણુભાઈએ શિવરાજભાઈને જણાવ્યું હતું કે, તેમને પાછળથી કોઈ કારે જાેરદાર ટક્કર મારી હતી. માથાના ભાગે કારનું ટાયર ચડાવી દીધું હતું. રણુભાઈને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી. જેથી તેમને સારવાર માટે સુદામડા અને ત્યારબાદ સુરેન્દ્રનગર લઈ જવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર હોસ્પિટલના તબીબે રણુભાઈને મૃત જાહેર કર્યાં હતા. જાન્યુઆરી ૨૦૧૬માં દૂધ ભરવાની બાબતે અજીત કલાભાઈ અણીયાળિયાના કાકા મનસુખભાઈ કડવાભાઈ અણીયાળિયાનું કાઠી દરબારોએ ફરસી, તલવાર, પિસ્તોલ સહિતના હથિયારો વડે હુમલો કરી હત્યા કરી હતી. ૫ વર્ષમાં અનેક વખત બન્ને સમાજના લોકો એકબીજા સામે મારામારી, ફાયરિંગ સહિતની પોલીસ ફરિયાદો કરી ચૂક્યા છે. જાેકે, હાલ ડીવાયએસપી સી.પી.મુંધવા, એલસીબી પીઆઈ ડી.એમ.ઠોલે કોરડા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.