ગાંધીનગર : વડોદરા જિલ્લાના સાકરદા-ભાદરવા-સાવલી રોડને ચાર માર્ગીય બનાવવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે, એટલું જ નહી આ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૮૨.૨૦ કરોડની રકમની મંજૂરી પણ આપી દેવાઈ હોવાનું રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને માર્ગ મકાન મંત્રી નીતિન પટેલ વિધાનસભામાં જણાવ્યું હતું.

વિધાનસભામાં આજે પ્રશ્નોતરી સમય દરમિયાન વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે સવાલ ઉઠાવ્યો હતો કે, તા. ૩૧-૦૧-૨૦૨૧ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વડોદરા જિલ્લાના સાકરદા-ભાદરવા-સાવલી વચ્ચેના ૨૧.૪૦ કિમીના રોડને ચારમાર્ગીય બનાવવા માટેની કામગીરીને મંજૂરી મળેલ છે કેમ? અને જાે હા હોય તો, તે માટે કેટલી રકમની મંજૂરી મળેલ છે?

ધારાસભ્ય કેતન ઈનામદારના આ સવાલના પ્રત્યુતરમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને માર્ગ મકાન મંત્રી નીતિન પટેલે લેખિતમાં જવાબ આપ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સાકરદા-ભાદરવા-સાવલી રોડને ચાર માર્ગીય કરવા માટેની મંજૂરી અપાઈ છે. આ રોડને ચાર માર્ગીય બનાવવા માટે રૂ. ૮૨.૨૦ કરોડની રકમને પણ મંજૂર કરવામાં આવી હોવાનું રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.