વલસાડ,તા.૩ 

વલસાડ જિલ્લામાં વધી રહેલા કોવિડ-૧૯ના કેસોને ધ્‍યાને લઇ જિલ્લા પ્રભારી સચિવશ્રી કે.એમ.ભીમજીયાણીએ જિલ્લાના આરોગ્‍ય વિભાગના ડાકટરો સાથે બેઠક યોજી હતી.

બેઠકને સંબોધતા પ્રભારી સચિવશ્રી કે.એમ.ભીમજીયાણીએ જણાવ્‍યું હતું કે, જ્‍યાં પોઝીટીવ કેસોનું પ્રમાણ વધુ છે ત્‍યાં સર્વેલન્‍સ વધારવામાં આવે તે જરૂરી છે. કોઇ વ્‍યક્‍તિને તાવ વગરે હોય તો તેને મેડીકલ સ્‍ટોરમાંથી સીધી દવા ન આપવામાં આવે તેવી સૂચના આપવામાં આવે, ખાનગી દવાખાનાઓમાં આવતા દર્દીઓમાં કોરોનાને લગતા કોઇ પણ લક્ષણ દેખાય તો તેની જાણ આરોગ્‍ય વિભાગને થાય તેવી વ્‍યવસ્‍થા ગોઠવવા, પી.એચ.સી., સી.એચ.સી.માં મળતી સારવારના દર્દીઓ બિનજરૂરી સિવિલ હોસ્‍પિટલમાં રીફર ન થાય તેનું ધ્‍યાન રાખવા જણાવ્‍યું હતું.

આ ઉપરાંત સિવિલ હોસ્‍પિટલમાં બેડની વ્‍યવસ્‍થા, વેન્‍ટીલેટર, ઓકિસજનનો પુરવઠો, પોઝીટીવ આવેલા કેસોમાં કોન્‍ટેક્‍ટ વ્‍યક્‍તિઓની યાદી ઝડપથી તૈયાર કરવા સહિતની ચર્ચાઓ કરવામાં આવી હતી. બેઠકમાં ડાકટરો સાથે ચર્ચા-વિચારણા કરી વધુ સારી કામગીરી કઇ રીતે કરી શકાય તેના મંતવ્‍યો પણ સચિવશ્રીએ મેળવ્‍યા હતા. આ બેઠકમાં જિલ્લા કલેક્‍ટર આર.આર.રાવલ, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, નિવાસી અધિક કલેક્‍ટર એન.એ.રાજપુત સહિત આરોગ્‍યના ડાકટર્સ અને અમલીકરણ અધિકારીઓ હાજર રહયા હતા.