ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. જેના અંતર્ગત આવતીકાલે પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા રાજ્યભરમાં ૫૭૯ મંડળોમાં એક સાથે બેઠક યોજીને કાર્યકરોને માર્ગદર્શન આપશે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા આવતીકાલે તા. ૨૦ જાન્યુઆરીના રોજ રાજયભરમાં ભાજપના કુલ ૫૭૯ મંડળોમાં એક સાથે બેઠક યોજવામાં આવશે. આ બેઠકમાં જે તે મંડળના ચૂંટાયેલા પદાધિકારીઓ, ધારાસભ્યો, સાંસદો, નગરપાલિકા, જિલ્લા પંચાયતના પ્રમુખો, સભ્યોના વિશેષ માર્ગદર્શન હેઠળ આ બેઠક બપોરે ૧૨.૧૫ કલાકે યોજાશે. આશરે બે કલાક સુધી ચાલનારી આ બેઠકમાં રાજ્યભરમાં કુલ ૫૭૯ અલગ અલગ જગ્યાએ અંદાજિત ૪૦ હજારથી વધુ કાર્યકર્તાઓ ભાગ લેશે. ગુજરાતમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી દ્વારા એક સાથે આ બેઠક યોજાનાર છે. ગુજરાતમાં ૧૮૨ બેઠકો જીતવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા જે પેજ સમિતિનું શસ્ત્ર અપાયું છે, તે અંગે ચર્ચા કરવામાં આવશે. તેમજ રાજ્યભરમાં પેજ સમિતિને વધુ મજબૂત કરવા માટે તેમજ બાકી રહેલ પેજ સમિતિને ઝડપથી પૂર્ણ કરવા માટે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા કરાયેલા વિવિધ વિકાસના કામો, પ્રજાલક્ષી યોજનાઓ કેવી રીતે જન જન સુધી પહોંચાડવી? આગામી વિધાનસભાની ચૂંટણી અંગે પણ ચર્ચા કરવામાં આવશે. જેને માટે પક્ષના સંગઠનને વધુ મજબૂત કેવી રીતે કરવું? તે અંગે માર્ગદર્શન આપવાની સાથે સંગઠનાત્મક પણ ચર્ચા કરવામાં આવશે. કોરોનાની સંપૂર્ણ ગાઇડલાઇન સાથે ગુજરાતમાં એક સાથે એક સમયે ૫૭૯ સ્થળો પર આ બેઠક યોજાશે.