નવી દિલ્હી 

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ગુરુવારે ઓસ્ટ્રેલિયા પહોંચી જશે. ભારતીય ખેલાડી અને યુએઈમાં આઈપીએલ રમનારા ઓસ્ટ્રેલિયાના ખેલાડી એકસાથે સિડની પહોંચશે. તમામ 14 દિવસ માટે સિડનીમાં ક્વોરેન્ટાઈન થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વનડે, ત્રણ ટી20 અને ચાર ટેસ્ટની સીરિઝ 27 નવેમ્બરથી શરૂ થશે. ખેલાડીઓ 20 જાન્યુઆરી સુધી ઓસ્ટ્રેલિયામાં રહેશે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વચગાળાના ચીફ એક્ઝીક્યુટીવે કહ્યું કે, ‘અમારી પ્રાથમિકતા આ સીરિઝમાં રમનારા તમામ ખેલાડીઓ અને સ્ટાફની સુરક્ષા છે. અમે બંને બોર્ડ અનેક મહિનાથી આ પ્રવાસની તૈયારી કરતા હતા.તેનું સફળ આયોજન કરવા પ્રતિબદ્ધ છીએ.’ તેમણે કહ્યું કે, ‘કોહલીની ટીમની ઓસ્ટ્રેલિયામાં આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. એ વાત જુદી છે કે, કોહલી અંગત કારણોસર પ્રવાસને અધવચ્ચે છોડી ભારત પાછો જશે.’ આ દરમિયાન, ભારતીય ખેલાડીને આ પ્રવાસમાં પરિવારને સાથે લઈ જવાની મંજુરી અપાઈ છે. જોકે, કેટલા ખેલાડીને સપરિવાર આવવાની મંજુરી મળશે, તે ઓસ્ટ્રેલિયા બોર્ડર ફોર્સની શરતો નક્કી કરશે.

કોરોનાને કારણે ઓસ્ટ્રેલિયાના અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે. આથી ટીમ ઈન્ડિયાના 55 દિવસના પ્રવાસથી ત્યાંના ટૂરિઝમ અને હોસ્પિટાલિટી સેક્ટરને ફાયદો થશે. 5 શહેરોમાં 10 મેચ રમાશે. આથી બીજા વ્યવસાયને પણ ફાયદો થશે. સૂત્રો મુજબ, આ પ્રવાસથી ઓસ્ટ્રેલિયામાં 300 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર (લગભગ રૂ.1600 કરોડ)ના બિઝનેસની આશા છે. ઓસ્ટ્રેલિયાના 25,000થી વધુ નાગરિક અત્યારે વિદેશમાં ફસાયેલા છે, જેમને ઓસ્ટ્રેલિયા લવાઈ રહ્યા છે. આથી ટૂરિસ્ટ કે ક્રિકેટ ફેન્સનું દેશમાં આગમન અશક્ય છે.

શરૂઆતમાં ટૂર્નામેન્ટ બ્રિસ્બેનમાં પ્લાન કરાઈ હતી. અહીં કોરોનાના કડક પ્રતિબંધ છે. એટલે ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યની સરકાર સાથે સીએએ કરાર કર્યો છે. ન્યૂ સાઉથ વેલ્સની રાજધાની સિડનીને સૌથી વધુ 5 મેચ (2 વનડે, 2 ટી20 , એક ટેસ્ટ)ની મેજબાની મળી છે. બ્રિસ્બેનના ભાગમાં માત્ર અંતિમ ટેસ્ટ ટેસ્ટ (15થી 19 જાન્યુ.)આવી છે. રોજગાર અને રોકાણ મંત્રી સ્ટૂઅર્ટ કહે છે, ‘મને આનંદ છે કે સિડનીમાં ક્રિકેટપ્રેમીઓને તેમની મનપસંદ રમત જોવાની તક મળશે’