જુનાગઢ-

આજે જૂનાગઢ મનાવી રહ્યું છે તેનો 73મો મુક્તિ દિવસ. વર્ષ 1947ની નવમી નવેમ્બરે સરદાર પટેલના અથાગ પ્રયાસો અને આરઝી હકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓની લડાઇને અંતે જૂનાગઢને આઝાદી મળી હતી. 1947ની 15મી ઓગસ્ટના દિવસે નવાબે જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરવાનો નિર્ણય કરવામાં આવતા જૂનાગઢની મુક્તિ માટે આરઝી હકૂમતની સ્થાપના કરવામાં આવી હતી. 86 દિવસની ચળવળ બાદ અંતે 9મી નવેમ્બર 1947ના દિવસે જૂનાગઢ મુક્ત થયું હતું અને સ્વતંત્ર ભારતનો અભિન્ન હિસ્સો બન્યું હતું.

 શહેર આજે તેનો 73મો મુક્તિ દિવસ મનાવી રહ્યું છે. વર્ષ 1947ની નવમી નવેમ્બરે સરદાર પટેલના અથાગ પ્રયાસોથી જૂનાગઢને મુક્તિ મળી હતી. 15મી ઓગસ્ટના દિવસે સમગ્ર દેશ અંગ્રેજોના શાસનમાંથી મુક્ત થયો હતો, પરંતુ જે-તે સમયે જૂનાગઢના નવાબે ભારત સાથે રહેવાની વાતને લઈને ઇનકાર કરીને જૂનાગઢ પાકિસ્તાનનો હિસ્સો છે અને રહેશે તેવી જીદ પકડતા સરદાર પટેલ દ્વારા જૂનાગઢની મુક્તિ માટેની લડાઇ શરૂ કરી હતી અને આરઝી હકૂમત નામની સંસ્થા જૂનાગઢમાં સ્થાપવામાં આવી હતી. જેમાં શામળદાસ ગાંધી, રતુભાઇ અદાણી, અમૃતલાલ શેઠ સહિતના કેટલાક આગેવાનોની હાજરીમાં જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ ખાતે એક જાહેર સભા કરીને જૂનાગઢની આઝાદી માટેની લડાઇ શરૂ કરવામાં આવી હતી.

ભારત દેશ આઝાદ થયો ત્યારે 562 દેશી રજવાડા હતા. 15 ઓગષ્ટ ભારતનો આઝાદી દિવસ છે પરંતુ પાંચ મહિના અગાઉ ભારતને આઝાદ કરવાનું નક્કી થઈ ગયું હતું. ઈંગ્લેન્ડની પાર્લામેન્ટમાં હિન્દ સ્વતંત્રતાનો કાયદો ઘડાયો, તે ધારા અનુસાર હિન્દુસ્તાનના તમામ રજવાડાઓને ભારતમાં અથવા પાકિસ્તાનમાં જોડાવા નક્કી કરવા ફરમાન કરાયું હતું. જેમાં ભારતના ત્રણ રાજ્યોએ અનોખો ઈતિહાસ રચી દીધો. કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢમાં તે સમયે નવાબ મહોબતખાનજી ત્રીજાનું શાસન હતું, જૂનાગઢના નવાબ મહોબતખાનજી એક પ્રજા વત્સલ રાજવી હતા પરંતુ કોઈ કારણોસર તેઓએ દિવાન શાહનવાઝ ભુટ્ટો, ભોપાલ બેગમ અને ઈસ્માઈલ અબ્રેહાની ના દબાણ થી જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરી નાખ્યું.

આ તરફ ભૌગોલિક રીતે પણ સંભવ ન હોય તેવા જૂનાગઢના પાકિસ્તાન સાથેના જોડાણને લઈને ભારત સરકાર પણ ચિંતામાં હતી. દેશ આઝાદ થઈ ગયો પરંતુ જૂનાગઢ આઝાદ ન હતું, 24 સપ્ટેમ્બર 1947 ના રોજ મુંબઈ ખાતે માધવબાગમાં જૂનાગઢની આઝાદી માટે આરઝી હકુમતની સ્થાપના થઈ, કનૈયાલાલ મુન્શીએ તેનું જાહેરનામું તૈયાર કર્યું, ત્રણ મોરચે લડવાનું નક્કી કરાયું, પ્રચારાત્મક મોરચો, લશ્કરી મોરચો અને આર્થિક મોરચો આરઝી હકુમતના લશ્કરી મોરચાની વાત કરીએ તો તેમાં 222 ગોરખા સૈનિકો, નવાબની પોલીસે છુટા કરેલા 30 પોલીસમેનો, સુભાષબાબુની આઝાદ હિંદ ફૌજના 6 જવાનો વગેરે મળીને ત્રણ થી સાડા ત્રણ હજારની એક લોકસેના તૈયાર થઈ હતી જેનું લક્ષ્‍ય જૂનાગઢની આઝાદીનું હતું.

આરઝી હકુમતને ગાંધીજીના આશિર્વાદ મળ્યા અને શામળદાસ ગાંધીએ આગેવાની લીધી, સૌરાષ્ટ્ર મેઈલમાં તેઓ રાજકોટ આવ્યા અને રાજકોટ આવીને તે સમયનો જૂનાગઢનો ઉતારો કે જે રાજકોટનું આજનું સર્કીટ હાઉસ છે તેનો કબ્જો કર્યો, ત્યારબાદ 24 ઓક્ટોબર 1947 ના રોજ અમરાપુર ગામ જીત્યું અને ત્યારે નવાબ પાકિસ્તાન જતા રહ્યા ત્યારબાદ આરઝી હકુમતે 106 ગામ કબ્જે કર્યા. જૂનાગઢના નવાબે પાકિસ્તાનથી તેમના દિવાનને તાર કર્યો કે તમે ભારતનું શરણ સ્વીકારી લો, નવાબે મોકલેલો એ તાર આજે પણ દિલ્હીની અભિલેખાગાર કચેરીમાં મોજુદ છે. 8 નવેમ્બર 1947 ના રોજ જૂનાગઢના નાયબ દિવાન કેપ્ટન હાર્વે જોન્સ શરણાગતિ પત્ર સાથે રાજકોટ પ્રાદેશિક કચેરીએ પહોંચ્યા અને શરણાગતિ સ્વીકારી, 9 નવેમ્બર 1947 ની સાંજના મજેવડી દરવાજામાંથી ભારતનું લશ્કર જૂનાગઢમાં પ્રવેશ્યું અને ઉપરકોટના કિલ્લા પર ઝંડો ફરકાવ્યો અને જૂનાગઢ આઝાદ થયું.