ગાંધીનગર-

મુસ્લિમ સમુદાયમાં ભારે મહાત્મ્ય ધરાવતો રમજાન માસ અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. ચાંદના દીદાર સાથે રમજાન ઇદની ઉજવણી માટે બિરાદરોમાં થનગનાટ જાેવા મળી રહ્યો છે. જેમાં બુધવારે ચાંદના દીદાર ન થતાં હવે શુક્રવારે ઇદુલ ફિત્ર મનાવવાનો અનુરોધ ગુજરાત ચાંદ કમિટીએ કર્યો છે. ઇદ-ઉલ-ફિત્રને લઇને મુસ્લિમ બિરાદરોને મહત્ત્વનું એલાન કરાતા હવે બિરાદરો ગુરુવારે રોજાે રાખશે અને શુક્રવારે ઇદ મનાવી હતી.

નોંધનીય છે કે, દાઉદી વહોરા સમાજે ૩૦ રોજા પૂરા કરવાની સાથે જ બુધવારે રમજાન ઇદની ઉજવણી કરી હતી. કોરોનાને પગલે રમજાન માસ નિમિત્તે સમાજના જાહેર કાર્યક્રમો રદ્‌ રાખવાની સાથે બિરાદરોએ ઘર બેઠા જ દુઆ કરી હતી. બુધવારે ઇદ નિમિત્તે વહોરા સમાજના બિરાદરોએ વહેલી સવારે કુત્બાની નમાજ અદા કર્યા બાદ એકબીજાને મુબારકબાદી પાઠવી હતી. બીજી બાજુ મુસ્લિમ બિરાદરોમાં ચાંદના દીદાર પર મીટ મંડાઇ હતી. બુધવારે સાંજે નમાજ બાદ ચાંદના દીદારને લઇને સળવળાટ જાેવા મળ્યો હતો. જાેકે, ચાંદ દેખાયો ન હોવાનું એલાન ગુજરાત ચાંદ કમિટીએ કર્યુ હતું અને તે સાથે જ હવે શુક્રવારે ઇદુલ ફિત્ર મનાવવાનો અનુરોધ કર્યો હતો. ગુજરાત ચાંદ કમિટીએ એલાન કર્યુ હતુ કે, બુધવાર મુતાબીક ૨૯ રમજાન બાદ માહે શવ્વાલનો ચાંદ દેખાયો નથી કે ચાંદ માટેનો કોઇ પણ જાતનો શરઇ સબૂત ગુજરાત ચાંદ કમિટીને મળ્યો નથી. જેને પગલે ૧૩ મેના ગુરુવારે ૩૦ રમજાન અને ૧૪ મેના શુક્રવારે માહે શવ્વાલનો પહેલો ચાંદ (ઇદુલ ફિત્ર) મનાવામાં આવશે.