દુબઈ 

 ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ રોમાંચક મુકાબલામાં જીતથી કિંગ્સ ઇલેવન પંજાબનું મનોબળ વધ્યુ હશે પરંતુ અત્યાર સુધી નિરંતર પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહેલી આ ટીમનો માર્ગ સરળ રહેશે નહીં. પંજાબની ટીમ આજે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેલી દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે.

સીઝનની શરૂઆતમાં બે નજીકની મેચ ગુમાવ્યા બાદ કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ છેલ્લી બે મેચમાં જીત હાસિલ કરવામાં સફળ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધ ટીમને અંતિમ બે ઓવરમાં જીત માટે માત્ર સાત રનની જરૂર હતી અને તેણે અંતિમ બોલ પહેલા મેચ પૂરી કરી દેવી જોઈએ જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ આઈપીએલની પ્રથમ ડબલ સુપર ઓવર પહેલા નિયમિત સમયમાં લોકેશ રાહુલની ટીમે જીત મેળવી લેવાની જરૂર હતી.

ડેથ ઓવરોની બોલિંગ, ગ્લેન મેક્સવેલનું ખરાબ ફોર્મ અને નબળો મધ્યમક્રમ ટીમની ચિંતાનો વિષય છે જેણે પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે પોતાની બાકી પાંચેય મેચ જીતવી પડશે. ટૂર્નામેન્ટના બે ટોપ સ્કોરર રાહુલ (525) અને મયંક અગ્રવાલ (393)ની હાજરી છતાં ટીમ જીત હાસિલ કરવામાં નિષ્ફળ રહી છે.

ક્રિસ ગેલની સફળ વાપસીથી પરંતુ ઓપનિંગ બેટ્સમેન ઉપરથી દબાવ ઓછો થયો છે, વિશેષકરીને રાહુલ હવે વધુ ખુલીને રમી શકે છે. નિકોલસ પૂરને દેખાડી ચુક્યો છે કે તે શું કરવામાં સક્ષમ છે પરંતુ તેણે અત્યાર સુધી ટીમને જીત અપાવનાર ઈનિંગ રમી નથી. બેટ્સમેનના રૂપમાં મેક્સવેલ પર દબાવ વધી રહ્યો છે પરંતુ તે ઉપયોગી સ્પિનર સાબિત થઈ રહ્યો છે. દિલ્હી કેપિટલ્સ સામે ટીમ મેક્સવેલને વધુ એક તક આપે તેવી શક્યતા છે.

દિલ્હીની ટીમ હાલની ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીની સૌથી સફળ ટીમ રહી છે અને શનિવારે રાત્રે ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રોમાંચક મેચ જીતવાથી તેનો આત્મવિશ્વાસ વધ્યો હશે. પૃથ્વી શો કેટલીક મેચોમાં ખાતુ ખોલવામાં નિષ્ફળ રહ્યા બાદ મોટી ઈનિંગ રમવા આતુર હશે જ્યારે શિખર ધવન ફોર્મમાં વાપસી કરી ચુક્યો છે. દિલ્હીની ટીમ 9 મેચમાં સાત મેચ જીતવામાં સફળ રહી છે.