વડોદરા : મહાન સંતવિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી અને બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના વર્તમાન ધર્મવડા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજનો આજે ૮૭મો જન્મજયંતી દિન છે. તેઓના આ જન્મજયંતી દિને ગુરુવંદના કરવા માટે થનગનતા દેશ-વિદેશના લાખો ભક્તો માટે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર આજે જન્મજયંતી ઉત્સવ ઉજવાશે. 

પૂ. મહંતસ્વામી મહારાજનો જન્મ મધ્યપ્રદેશના જબલપુર ખાતે ૧૯૩૩માં ૧૩મી સપ્ટેમ્બરે થયો હતો. અહીં વિદ્યાર્થીકાળ અંગ્રેજી માધ્યમની કોન્વેન્ટ શાળામાં વિતાવીને આણંદ ખાતે વિજ્ઞાનનો અભ્યાસ કરવા માટે સન ૧૯૫૨માં કોલેજમાં જોડાયા હતા. ૧૯૫૬માં એગ્રિકલ્ચરલ સાયન્સમાં ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કરીને તેઓ મહાન સંત બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના ચરણે તેઓ સમર્પિત થઈ ગયા હતા. ૧૯૬૧માં તેઓના હસ્તે દીક્ષા લઈને સ્વામી કેશવજીવનદાસજી બન્યા હતા. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની છત્રછાયામાં બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના અનેક આધ્યાત્મિક-સામાજિક આયોજનોમાં મહત્ત્વનું યોગદાન આપનાર તેઓ મુંબઈના બીએપીએસ મંદિરના મહંત હોવાથી મહંતસ્વામીના નામથી વિખ્યાત થયા છે. તેઓની ૮૭મી જન્મજયંતી પર્વે તેઓના આ સાધુતાસભર આધ્યાત્મિક વ્યક્તિત્વની વિવિધ અનુભૂતિઓ વિવિધ રીતે પ્રસ્તુત થશે. સાંજે ૫ થી ૮ દરમિયાન બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાની વેબસાઈટ અને જીટીપીએલની કથા ચેનલ દ્વારા રજૂ થનાર આ વર્ચ્યુઅલ જન્મજયંતી ઉત્સવમાં પૂજ્ય ડોક્ટર સ્વામી, પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામી, પૂજ્ય બ્રહ્મવિહારીદાસસ્વામી સહિત વિદ્વાન સંતોના વક્તવ્યો તેમજ અન્ય કાર્યક્રમોનો લાભ મળશે. જુદા જુદા સ્થાનોમાં રહેલા મહંતસ્વામી મહારાજ તેમજ સંતોને વર્ચ્યુઅલ ટેક્નોલોજી દ્વારા એક જ પ્લેટફોર્મ પર લાવીને કરવામાં આવનાર જીવંત પ્રસારણને દેશ-વિદેશમાં લાખો ભક્તો માણશે, અને આરતી તેમજ પુષ્પાંજલિ દ્વારા પોતાના આ પ્રાણપ્યારા ગુરુહરિને જન્મજયંતીએ વધાવશે.