દિલ્હી-

દેશમાં કોરોના મહામારી ની વચ્ચે આયુષ મંત્રાલયે લોકોની મદદ માટે ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 14443 શરૂ કરી છે. આ નંબર પરનાં લોકો હોમિયોપેથી, આયુર્વેદ, યોગ, નિસર્ગોપચાર, યુનાની અને સિદ્ધ તબીબી પદ્ધતિઓથી સંબંધિત સહાય મેળવી શકે છે. આ હેલ્પલાઇન સાત દિવસો માટે સવારે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. આયુષ નિષ્ણાંતો આ નંબર પર લોકોને સૂચનો આપશે. આયુષ મંત્રાલય તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ હેલ્પલાઈન સેવા હાલમાં હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે. આગામી સમયમાં આ હેલ્પલાઈન નંબર પર અન્ય ભાષાઓમાં પણ સુવિધાઓ હશે.

એનજીઓ, પ્રોજેક્ટ સ્ટેપ વન ના સહયોગથી આ હેલ્પલાઈન 14443 સુવિધા શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઇનમાં એક સમયે 100 કોલ લેવાની સુવિધા છે, જેની સંખ્યા ભવિષ્યમાં આવશ્યકતા મુજબ વધારવામાં આવશે. કોરોના સમયગાળામાં, ઘણા લોકો આયુષ સારવાર પદ્ધતિઓ દ્વારા પુન: સ્વસ્થ થયા છે. આયુષ મંત્રાલય આયુષ 64 અને કાબાસુર કુડનીર નામના હળવા અને એસિમ્પટમેટિક કોરોના દર્દીઓ માટે 25 સ્થળો પર વિના મૂલ્યે દવાઓ પણ પૂરી પાડે છે.