અમરેલી, સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર અમરેલી જિલ્લામાં ત્રણ દિવસથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. રવીવાર દિવસ દરમિયાન કેટલાય વિસ્તારમો વરસાદ પડ્યો હતો. જ્યારે મોડી સાંજે વડીયા વિસ્તારમાં ૩ ઇંચ જેટલો વરસાદ પડતાં ઉજળા ગામમાં મગફળી ભરેલું ટ્રેકટર તણાયુ હતું. જાેકે, ડ્રાઇવર છલાંગ મારી કુદી જતાં સદનસીબે જીવ બચ્યો હતો.વડીયા નજીક આવેલા મોટા ઉજળા ગામે મુશળધાર ૩ ઇંચ વરસાદ ખાબકતા ગામ આસપાસ મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ વહેતો થતાં લોકોની મુશ્કેલી વધી હતીં. અહીં બે ટ્રેક્ટર પાણીના પ્રવાહ નજીક આવતા એક મગફળી ભરેલું ટ્રેકટર પાણીના પ્રવાહમાં તણાયુ હતું. ધસમસતા પ્રવાહમાં ટ્રેકટર તણાતાં ડ્રાઇવરે છલાંગ લગાવતાં જીવ બચી ગયો હતો. જ્યારે ટ્રેક્ટરને મોડી રાતે જેસીબીની મદદથી બહાર કઢાયું હતું.અહીં સ્થાનિક નદી નજીક બેઠો પુલ હોવાને કારણે આ પ્રકારની ઘટના બની હતી. સ્થાનિક લોકો આ પુલના કારણે ઘણી હાલાકીનો સામનો કરી રહ્યાં છે. ત્યારે આ ઘટના બનતાં પુલ ઉંચો કરવા લોકોની માંગ ઉઠી છે.