અરવલ્લી : વડોદરાના વાઘોડિયા નજીકથી ટ્રેક્ટરની ચોરી કરી ટોળકી અરવલ્લી જિલ્લામાં ટ્રેકટર વેચાણ અર્થે આવવાની હોવાની અરવલ્લી જિલ્લા એલસીબીને બાતમી મળી હતી. એલસીબી સ્ટાફે હજીરા વિસ્તાર અને બાયપાસ રોડ પર વોચ ગોઠવી હતી.બાતમી મુજબ ચોરેલા ટ્રેકટર સાથે જીઆઈડીસી નજીકથી પસાર થઇ રહેલા ત્રણ શખ્શને રોકી પૂછપરછ કરી ટ્રેકટરના જરૂરી કાગળો માગતા તેઓ આપી શક્યા ન હતા. એલસીબીએ ટ્રેકટર-ટ્રોલી સાથે ૩.૫૦ લાખનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.  

અરવલ્લી એલસીબીની ટીમે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.દરમિયાનમાં વાઘોડિયાથી ચોરી કરેલું ટ્રેકટર-ટ્રોલી વેચાણ અર્થે કેટલાક શખ્શો મોડાસા નજીકના હજીરા વિસ્તારમાં આવવાના હોવાની બાતમી મળી હતી. જેના આધારે એલસીબી સ્ટાફ સતર્ક બની મોડાસાના પ્રવેશમાર્ગો પર વોચ ગોઠવી દીધી હતી બાતમી મુજબ વાદળી રંગનું ટ્રેક્ટર ટ્રોલી સાથે પસાર થતા ટ્રેકટરને અટકાવી શખ્શોની સખ્ત પૂછપરછ કરતા આ ટ્રેકટર વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાંથી ચોરી કર્યું હોવાની કબૂલાત કરી હતી.એલસીબીએ ટ્રેકટર-ટ્રોલી કીં.રૂ.૩.૫૦ લાખને જપ્ત કરી વિક્રમ હીરાભાઈ તળપદા, અજય કનુભાઈ તળપદા અને ઈમ્તિયાઝ ગુલામહુસેન વ્હોરા ને ઝડપી પાડ્યા હતા.