વડોદરા : વડોદરા પાલિકા દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગના નામે ૩૦ જેટલી દુકાનો સીલ કરી છે ત્યારે વેપારીઓમાં પાલિકાની ખોટી રીતે કનડગત અને કાર્યવાહી સામે રોષની લાગણી ફેલાઈ છે. વડોદરા વેપાર વિકાસ એસોસિયેશન દ્વારા કાર્યવાહીનો વિરોધ કરવામાં આવ્યો હતો અને સીલ કરવાની પ્રક્રિયા ત્વરિત બંધ નહીં કરાય તો આ અંગે કલેકટર અને ઉપર સુધી રજૂઆત કરાશે તેમ જણાવ્યું હતું.  

આજે સમગ્ર વેપાર વિકાસ એસોસિયેશનના તમામ હોદ્દેદારો ભેગા થયા હતા અને પાલિકા દ્વારા શરૂ કરાયેલી દુકાનો સીલ કરવાની કાર્યવાહી ગેરવાજબી હોવાનું જણાવી વિરોધ કર્યો હતો. સમગ્ર વેપાર વિકાસ એસોસિયેશનના મહામંત્રી રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાના કેસો વેપારીઓના કારણે વધ્યા નથી. દિવાળીના તહેવારોમાં લોકો ખરીદી કરવા ઉમટયા હતા. દિવાળીમાં અનેક લોકો બહાર ફરવા પણ ગયા હતા. પરંતુ દિવાળી પછી કોરોનાનો વ્યાપ વધી ગયો. કોરોના માટે વેપારીઓને દોષ આપવો અને સોશિયલ ડિસ્ટન્સના નામે દુકાનો સીલ કરવી ગેરવાજબી છે.  પાલિકાએ સોશિયલ ડિસ્ટન્સના નામે વેપારીઓની દુકાનો પર ચેકિંગ શરૂ કર્યું છે અને જાણે કે વેપારીઓએ જ આ કોરોના ફેલાવ્યો હોય તેમ નાના નાના વેપારીઓની દુકાનો સીલ કરવા માંડી છે. જાણે કે કોરોના વેપારીઓથી જ ફેલાયો હોય એમ સાબિત કરવા વેપારીઓની દુકાનો સીલ કરીને તંત્ર શું સાબિત કરવા માગે છે? વેપારીઓ આના માટે સરકારી તંત્રને જ જવાબદાર માને છે. પોતાના દોષનો ટોપલો પ્રજા પર અને વેપારીઓ પર ઢોળવાની ચાલ હોય એવું લાગે છે. માટે જાે આ સીલ કરવાની પ્રક્રિયાની કાર્યવાહી તાત્કાલિક બંધ નહીં કરવામાં આવે તો આના માટે ઉપર સુધી રજૂઆત કરવામાં આવશે એમ જણાવ્યું હતું.