વડોદરા : વડોદરા ખાતે મળેલી કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સની મિટિંગમાં ઉપસ્થિત રાજ્યભરના વેપારીઓએ જીએસટીના અધિકારીઓની દાદાગીરી સામે બાયો ચઢાવીને જરૂર પડે આંદોલન કરવાનો મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. તેમજ આગામી માસમાં વેપારીઓ ટેક્ષ અને જીએસટી નહિ ભરીને અસહકાર આંદોલન ચલાવશે.આ સંમેલનમાં કેન્દ્ર સરકારના જીએસટી સફળ થયાના સરકારી દાવાઓને ફગાવવામાં આવ્યા છે. તેઓએ તેલના ભડકે બળતા ભાવવધારાને માટે સરકારની ૪૦ ટકા ઈમ્પોર્ટ ડ્યુટીને જવાબદાર લેખાવી છે. સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોશિએશનના ઉપક્રમે હોટલ સૂર્યા પેલેસ ખાતે ગુજરાતના તમામ શહેરોના સીએઆઈટીના આગેવાનોની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાલના સમયમાં વેપારીઓને પડતી જીએસટીની તકલીફો અને અધિકારીઓની દાદાગીરી અને અકારણની હેરાનગતિ બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી. સીએઆઈટીના અધ્યક્ષ મહેન્દ્રભાઈ શાહ, મહામંત્રી પ્રવીણ ખંડેલવાલ, સીએઆઈટીની જીએસટી કમિટીના ચેર પર્સન શ્રીમતી પૂનમબેન જાેશી દ્વારા ઉદ્ધઘાટન સમારોહથી શરુ થયેલી ચર્ચામાં જીએસટી બાબતે લંબાણપૂર્વક ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી.જેમાં વેપારીઓને પડતી તકલીફો, જીએસટીના અધિકારીઓના અસહ્ય ત્રાસ, કાયદાની આડમાં પ્રામાણિક વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે.એની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.એમાં દેશભરમાં જીએસટી સંપૂર્ણ નિષ્ફળ ગયાનો દાવો વેપારીઓ દ્વારા કરાયો હતો. જેની સામે તેમજ આ બાબતે વેપારીઓએ બાયો ચઢાવીને જરૂર પડે આંદોલનનું રણસીંગુ ફૂંકવાની તૈયારીઓ બતાવી હતી. આ ઉપરાંત ફૂડ સેફટી એક્ટ અને એને લઈને કરવામાં આવતી હેરાનગતિ બાબતે પણ ચર્ચાઓ કરાઈ હતી.આ ચર્ચાઓના અંતે સમગ્ર રાજ્યભરના વેપારી એસોશિએશનોએ આગામી માસમાં ટેક્ષ અને જીએસટી નહિ ભરીને અસહકાર આંદોલન ચલાવવાની તૈયારી દર્શાવી હતી. આ સંમેલનમાં સરકાર દ્વારા જીએસટીમાં જે ૯૫૦ જેટલા અયોગ્ય સુધારાઓ કરવામાં આવ્યા છે. એની આકરી ટીકા કરવામાં આવી હતી. આ એસોસીએશનના ગુજરાતના પ્રદેશ પ્રમુખ પ્રમોદ ભગતે જણાવ્યું હતું કે સરકાર દ્વારા તેલમાં લેવામાં આવતી ૪૦ ટકા જેટલી તોતિંગ ઈમ્પોર્ટ ડ્યુટી એના ભડકે બળતા ભાવવધારાને માટે જવાબદાર છે. આ સંમેલન સફળ બનાવવામાં વડોદરા વેપાર વિકાસ એસોશિએશનના કમિટીના સભ્યો રમેશ પટેલ,રાજેશ પટેલ,પરેશ પરીખ,કિશોર સેવાની, ભારત ચૌહાણ, પવન બોકાડિયા, ધનંજય ઠક્કર, ઋષભ પપરીયા, જયરામભાઈ,મોતીભાઈ શાહનું યોગદાન રહ્યું હતું.