દાહોદ

છેલ્લા એક સપ્તાહથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. તેવા સમયે આજે સવારે ઇન્દોર અમદાવાદ હાઈવે પર ગાઢ ધુમ્મસને કારણે વાહનોની ગતિ ધીમી પડવા પામી હતી. આજે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસની ચાદર છવાતા સો કિલોમીટર ની ઝડપે ચાલતાં વાહનોની ગતિ અડધી થઈ જવા પામી હતી અને ગાઢ ધુમ્મસના કારણે વહેલી સવારે હાઈવે પર લોકોની અવર-જવર અટકી જવા પામી હતી અને ધુમ્મસનું પ્રમાણ વધારે હોવાથી કેટલાક વાહનચાલકોએ અકસ્માતના ડર થી રસ્તાની સાઇડમાં જ પોતાનું વાહન ઊભું રાખી દીધું હતું. આમ તો હાઈવે પરતો સો કિલોમીટર થી વધુની સ્પીડે વાહનોની અવર જવર થતી હોય છે. પરંતુ આજે ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થતા અકસ્માતનો ભય ઉભો થવા પામ્યો હતો. હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે રેડી એક્ટિવ કુલિંગ ના કારણે વાતાવરણ બદલાતા ગાઢ ધુમ્મસ છવાયું હતું જેને કારણે વાહનોને ૧૦ મીટર આગળ કશું દેખાતું ન હતું. તેથી અકસ્માત સર્જાવાની ભીતિ ઉભી થવા પામી હતી. જેના કારણે ગભરાયેલા વાહનચાલકો પાર્કિંગ લોનમાં જ ઉભા રહી ગયા હતા. બીજી તરફ હાઇવે પેટ્રોલ વાહનચાલકોને માઇક દ્વારા વાહન ૩૦ થી પણ ઓછી સ્પીડે ચલાવવાની સૂચના આપી હતી. આ ગાઢ ધુમ્મસની અસર દાહોદ શહેરમાં પણ જાેવા મળી હતી. આવું ગાઢ ધુમ્મસ જાેઈ દાહોદ વાસીઓમાં આશ્ચર્ય સર્જાયું હતું.