વડોદરા : ડભોઈ તાલુકાના મંડાળા ગામે રહેતા સસરા અને જમાઈને ગોત્રી ખાતે સંબંધીને ત્યાં બેસણામાં આવતા હતા તે દરમિયાન મકરપુરા વોલ્ટેમ કંપની પાસે પાલિકાની ઢોરપાર્ટીના ટ્રોલી-ટ્રેકટરના ચાલકે બાઈકસવારને અડફેટે લેતાં સસરાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે જમાઈને શારીરિક ઈજાઓ પહોંચતાં તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ડભોઈ તાલુકાના મંડાળા ગામે રહેતા સસરા નારણભાઈ મોતીલાલ વસાવા (ઉં.વ.૬ર) અને તેમના જમાઈ અજયભાઈ વસાવા બાઈક ઉપર મંડાળાથી શહેરના ગોત્રી ખાતે રહેતા સંબંધીને ત્યાં બેસણામાં આવી રહ્યા હતા તે દરમિયાન મકરપુરા ખાતે વોલ્ટેમ્પ કંપનીવાળા રોડ પરથી ગોત્રી તરફ આવી રહ્યા હતા. પાલિકાની ઢોરપાર્ટીના ટ્રોલી-ટ્રેકટરમાં રખડતી ગાયો-ઢોરોને પકડી ઢોરડબ્બામાં લઈ જવાતી હોય છે. આ ટ્રેકટર-ટ્રોલીનો ચાલક પૂરઝડપે આવી રહ્યો હતો ત્યારે મંડાળાથી ગોત્રી તરફ આવી રહેલા બાઈકસવારને અડફેટે લેતાં સસરા નારણભાઈ વસાવા અને જમાઈ અજયભાઈ નીચે રોડ પર પટકાયા હતા, જ્યાં ટ્રેકટરના વ્હીલ નારણભાઈ વસાવા ઉપર ફરી વળ્યાં હતાં, જેથી તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અજયભાઈ વસાવાને શારીરિક ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માત મોતના બનાવની જાણ મકરપુરા પોલીસ મથકે કરવામાં આવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે કોલ્ડરૂમમાં ખસેડયો હતો.

 કેમેરાની લૂંટ અને વાહનોની તોડફોડ

પાલિકાની ઢોરપાર્ટીએ મકરપુરા રોડ પર પકડેલી ગાયોને છોડાવવા માટે ત્રણથી ચાર જેટલા માથાભારે ભરવાડો દેકારા-પડકારા સાથે દોડી આવ્યા હતા અને પકડેલી ગાયો પાસે ઊભેલા અને ટ્રેકટર-ટ્રોલીની રાહ જાેઈ રહેલા ઢોરપાર્ટીના માણસોને ઘેરી વળી હુમલો કર્યો હતો, જેમાં પાલિકાના કેમેરામેન અમર રાજપૂત શૂટિંગ કરી રહ્યો તેને માર મારી કેમેરાની તોડફોડ કરી કેમેરાની લૂંટ ચલાવી હતી. આ ઉપરાંત તોફાની ટોળાએ પાલિકાની ઢોરપાર્ટીના વાહનના કાફલાની તોડફોડ કરી ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. જાે કે, આ બનાવના મામલે માથાભારે ભરવાડો સામે મકરપુરા પોલીસ મથકે ઢોરપાર્ટીના સિનિ. અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી.