વડોદરા, તા.૨૫

વડોદરા શહેરના લાલબાગ બ્રિજ પાસે ઈનોવા કારનું ટાયર અચાનક ફાટતાં કાર રોડ-ડિવાઈડર કૂદીને રોંગસાઈડ પર આવી જતાં સામેના રોડ પરથી આવી રહેલા તરસાલીના એક્ટિવાચાલક અડફેટે આવી જતાં તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે માંજલપુર પોલીસે કારચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધી કારચાલકની અટકાયત કરી છે. અકસ્માતના બનાવને પગલે લાલબાગ બ્રિજ પાસે ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં. જાે કે, પોલીસ આવી પહોંચતાં ટ્રાફિક રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો હતો.

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ શહેરના તરસાલી ગંગાસાગર એપાર્ટમેન્ટમાં રહેતો મોહિત ધનંજ્ય પાટીલ (ઉં.વ.૩૦) વાઘોડિયા સ્થિત પારુલ યુનિવર્સિટીમાં બી.ઈ.ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તે આજે કોલેજથી ઘરે આવ્યો હતો. ત્યાર બાદ ઘરેથી ફતેગંજ ખાતે રહેતા તેના મિત્રને મળવા માટે એક્ટિવા લઈને લાલબાગ બ્રિજ પરથી દાંડિયા બજાર તરફ આવી રહ્યો હતો, એ સમયે રાકેશભાઈ નામના ઈનોવા કારચાલક પાવાગઢ-હાલોલ ખાતે લગ્નપ્રસંગ પતાવી લાલબાગ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા તે વખતે અચાનક કારનું ટાયર ફાટતાં કાર પરનો સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં કાર ડિવાઈડર કૂદીને સામેના રોડ પર જતી રહી હતી, જેમાં સામેના રોડ પરથી પસાર થઈ રહેલો મોહિત પાટીલને અડફેટમાં લીધો હતો.

મોહિત પાટીલ બ્રિજની રેલિંગ સાથે અથડાતાં તેને માથાના ભાગે અને અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતને પગલે કાઉન્સિલર શૈલેષ પરીખ પણ ઊભા રહ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી દવાખાને પહોંચતો કર્યો હતો. બીજી તરફ અકસ્માતના બનાવને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. માંજલપુર પોલીસને આ બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. જાે કે, કારચાલક મદદે આવતાં પોલીસે તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.