વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની સ્થાયી સમિતિ દ્વારા વર્તમાન બોર્ડની અંતિમ મિટિંગમાં સમગ્ર બોર્ડના કાર્યકાળ દરમ્યાન જેની સતત તરફદારી કરવામાં આવી હતી. એ વિવાદાસ્પદ બિલ્ડર માનવ ઇન્ફ્રાના કામમાં સ્થાયી સમિતિએ મરદાનગી બતાવીને એની શરતોએ કામ મંજુર કરવામાંથી મોં ફેરવી લીધું હતું. જેને લઈને માનવ ફારાએ માગેલ ટ્રાન્સફર એફએસઆઈને નામંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત એની પાસેથી દબાણ વગરની જમીનનું પ્રીમિયમમાં જમીન પેટે આપવી પડતી તફાવતની અંદાજે રૂપિયા ૧.૨૨ કરોડ જેટલી રકમ વ્યાજ અને દંડ સહીત વસૂલવાનો અભિપ્રાય આપવામાં આવ્યો છે. વર્તમાન શાસકોના રાજમાં રાજકીય દબાણ હેઠળ ધાર્યું કરાવનારમાનવ ઇન્ફ્રાના વિવાદાસ્પદ સંચાલક સંજય શાહનું ધાર્યું અંતિમ સ્થાયી સમિતિની બેઠકમાં ન થતા એના વધારાની એફએસઆઈ ટ્રાન્સફર મેળવવાના સપના ચકનાચૂર થઇ ગયા છે. પાલિકાની સ્થાયી સમિતિ દ્વારા લેવાયેલા આ અંગેના ર્નિણયમાં જાે કે હજુ પણ કેટલીક ક્ષતિઓની ચૂક કરવામાં આવી છે. જેને લઈને આઆગામી દિવસોમાં કોઈ નવો ખેલ એના આધારે ખેલવામાં આવે તો નવાઈ પામવા જેવું રહેશે નહિ.  

પાલિકાની સ્થાયી સમિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઓડનગર ખાતેના પ્રોજેક્ટમાં જમીનના દબાણને કારણે સ્થળે ઉપલબ્ધ જમીન પર વપરાયેલ એફએસઆઈ ધ્યાને લઈને ઇજારદાર માનવ ઇન્ફ્રની બાકી એફએસઆઈને ટીડીઆરના સ્વરૂપે આપવાની મંજૂરી બાબતે ર્નિણય લેવાનાર હતો. આ યોજનાના પ્રથમ વર્ટિકલ પી.પી.પી. હેઠળ ઓડનગર ખાતેના પ્રોજેક્ટમાં કુલ ૧૨૮૪૯ ચોરસ મીટર જમીન સામે આઇએસએસઆરના ૮૪ આવાસો અને બાર કરોડના પ્રીમિયમને સ્થાયી સમિતિએ ઠરાવ કરીને માનવ ઇન્ફ્રાના કામને મંજૂરી આપવામાં આવી હતી. આ જમીન પર આવેલ દબાણો અને ઝુંપડાઓને ૧૦/૧૦/૨૦૧૬ના રોજ દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સીટી સર્વે પાસે માપણી કરાવતા સ્થળ પર બેંકર્સ હોસ્પિટલ, મીરાંદાતાર પ્લાયવુડ અને આજુબાજુની સોસાયટીઓના કુલ ૨૬૩૯.૯૭ ચોરસ મીટરના દબાણો સ્થળ પર હયાત હોવાનું જણાઈ આવ્યું હતું. જે દબાણ કરેલ જમીન બાબતે હાઇકોર્ટમાં કેસ ચાલતો હતો.સ્ટે અપાયેલ છે. આ ઉપરાંત અન્ય ખાનગી સોસાયટીઓના બાંધકામના દબાણો હોઈ માનવ ઇન્ફ્રાને કુલ ૨૬૩૯.૯૭ ચોરસ મીટર જમીન સોંપાઈ શકાય નથી. આને કારણે ૧૨૮૪૯ ચો.મી.સામે ફક્ત ૧૦૨૦૯.૦૩ ચો.મી.જમીન મળી હતી. જેમાં સ્થાયી સમિતિએ પ્રીમિયમની રકમ રૂ.૯,૨૨,૧૭,૭૦૧/-વસુલ લેવાની મંજૂરી આપેલ. તદુપરાંત દબાણ દૂર ઠારતા સુધી બાકીની પ્રીમિયમની રકમ બેન્ક ગેરંટી સ્વરૂપે ચાલુ રાખીને દબાણ દૂર થતા બાકી રહેતી પ્રીમિયમની રકમ ઇજારદાર માનવ ઇન્ફ્રા પાસે વ્યાજ સહ ભરાવવાને માટે ર્નિણય લેવાયો હતો. ત્યારબાદ ઇજારદારે આઠ કરોડનું પ્રીમિયમ જમા કરાવ્યું હતું. તેમજ બાકી ચાર કરોડની ગેરંટી આપી હતી. આ બેન્ક ગેરંટીની રકમ જમા કરતા સુધી વ્યાજની રકમ ભરપાઈ કરશે એવો પત્ર આપ્યો હતો. જેના આધારે કુલ ૧૧૪૦૨.૮૦ ચો.મી.જમીનના દસ્તાવેજ કરી અપાય હતા. પાલિકાના ટાઉન પ્લાનિંગ દ્વારા ઇજારદાર માનવ ઇન્ફ્રાને પારસલ -એ અને બી ની રજાચિઠ્ઠી આપવામાં આવી હતી. જેમાં પારસલ-એની કુલ ૧૪૪૬.૨૦ અને પારસલ-બીની ૧૧૪૦૨.૮૦ ચો.મી.જમીનને માટે રજાચિઠ્ઠી અપાઈ હતી. જેમાં કુલ જમીનની ત્રણ ઘણી એફએસઆઈ ગણતા કુલ ૩૮૫૪૭ ચો.મી.એફએસઆઈને ગણતરીને ધ્યાને લઈને ૩૪૮૭૪.૬૬ ચો.મી.મુજબ એટલે કે ૨.૭૧૪ નો એફએસઆઈ વાપરીને રજાચિઠ્ઠી આપેલ. પરંતુ એને સ્થાયી સમિતિમાં નામંજૂર કરવામાં આવ્યું છે. તેમજ ઇજારદારને દબાણ સિવાયની જમીનને માટે ભરવાપાત્ર કુલ રૂ. ૯,૨૨,૧૭,૭૦૧/- ના તફાવતની રકમ આઠ કરોડને બાદ કરતા રૂ.૧,૨૨,૧૭,૭૦૧/- વ્યાજ અને દંડ સહીત વસૂલવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ સિવાય દરખાસ્તમાં કરેલી અન્ય માગણીઓને નામંજૂર કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. આમ પાલિકાની સ્થાયી સમિતિએ પહેલી વખત હિમ્મત બતાવીને રાજકીય વાગના જાેરે હવામાં ઉડતા માનવ ઇન્ફ્રાના સંચાલકોને ધરતી પર સ્થાન બતાવી દીધું છે.