વડોદરા -

કોરોનાનો ડર અને મોતની અસર કોરોનાના દર્દીઓ પર જ નહીં, પરંતુ અન્ય દર્દોથી પીડાતા લોકો પર પણ પડી છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર શરૂ થઈ છે ત્યારથી સપ્ટેમ્બર, ૨૦૨૦ સુધીમાં ઓપીડીમાં રોજબરોજ આવતા દર્દીઓની સંખ્યા પર નજર કરવામાં આવે તો ગત વરસે ૨૦૧૯ની સરખામણીમાં ચાલુ વરસે ૨૦૨૦માં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓમાં અત્યાર સુધી પોણા બે લાખથી વધુ દર્દીઓનો ઘટાડો જાેવા મળ્યો છે, જેની પાછળનું મુખ્ય કારણ દર્દીઓ કોરોનાનો ચેપ લાગવાના ડરથી હોસ્પિટલમાં આવતાં ખચકાઈ રહ્યા છે.

જેના પરિણામે સયાજી હોસ્પિટલને સરકારી ધારાધોરણ મુજબ નક્કી કરેલ ફી દર્દીઓ પાસેથી મળતી આવક બંધ થઈ જવા પામી છે અને જે આવક મળે છે તે કોરોનાના દર્દીઓની સારવાર સુવિધા પાછળ ખર્ચાય છે. કોરોનાની વૈશ્વિક મહામારીએ મેડિકલ ક્ષેત્રે સંપૂર્ણ ચિત્ર બદલી નાખ્યું છે, જેનો સીધેસીધો લાભ શહેરની સંખ્યાબંધ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના સંચાલકો-તબીબો ઉઠાવી રહ્યા છે.

 રાતોરાત કોરોનાની સારવાર ખર્ચમાં ધરખમ વધારો કરી તેમની આવકમાં તોતિંગ વધારો કરી દીધો છે. ચાલુ વરસે ૨૦૨૦માં જ્યારથી કોરોનાની મહામારીનો સમયગાળો શરૂ થયો ત્યારથી ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં સૌથી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

જેના પરિણામે સરકારે કોરોનાના દર્દીઓના સારવાર ખર્ચ અગાઉથી નક્કી કરેલ હોવા છતાં એક યા બીજા બહાને ખાનગી હોસ્પિટલોના સંચાલકો-તબીબો મનફાવે તે મુજબ દર્દીઓ પાસેથી મોટી રકમનો સારવાર ખર્ચ વસૂલી રહ્યા છે, જેથી ખાનગી હોસ્પિટલોની આવકમાં તોતિંગ વધારા સાથે તિજાેરીઓ ઊભરાઈ રહી છે. જ્યારે સરકારી હોસ્પિટલમાં તમામ દર્દીઓની સારવાર નિઃશુલ્ક કરવામાં આવતી હોવાથી સરકારી દવાખાનાની તિજાેરીઓ ખાલી થઈ ગઈ છે અને સરકાર તરફથી મળતી ગ્રાન્ટ પણ કોરોનામાં લગભગ વપરાઈ ગઈ હોવાનું સયાજી હોસ્પિટલના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. કોરોનાની મહામારીને લઈને રોગી કલ્યાણ, દર્દીઓના કેસ, સર્જરી, લેબોરેટરી ટેસ્ટ, એક્સ-રે, સોનોગ્રાફી વગેરે સરકારી ધારાધોરણ મુજબ મળતી રોજબરોજની લાખો રૂપિયાની આવક મોટાભાગે બંધ થઈ ગઈ છે.

સરકારી હોસ્પિટલમાં સામાન્ય દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતાં આવકમાં ઘટાડો નોંધાયો

મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલમાં આવતા દર્દીઓ પાસેથી સરકારી ધારાધોરણ મુજબ ફી અને ખર્ચ આ મુજબ વસૂલવામાં આવે છે.

• દર્દીના કેસ ફી રૂા.પ

• એક્સ-રે ફી રૂા.૩૦

• સોનોગ્રાફી ફી રૂા.૪૦

• વોર્ડમાં દાખલ દર્દીના પ્રતિદિન ફી રૂા.૧૦

• કોઈપણ દર્દની સર્જરી તથા ઓપરેશન ફી રૂા.૧૨૦

• નોન એ.સી. અને સ્પેશિયલ રૂમચાર્જ ફી રૂા.૧૦૦

• લેબોરેટરી ટેસ્ટ ફી રૂા.૩૫ તથા સ્પે. રૂમ એ.સી. સાથે ફી રૂા.૪૦૦ પ્રતિદિન

આમ દર્દીઓ પાસેથી સારવાર ખર્ચ વસૂલવામાં આવે છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં આનાથી અનેક ગણા વધુ ચાર્જ વસૂલવામાં આવે છે.