પાલનપુર,તા.૩૧ 

ડીએફસી એટલે ડેડીકેટેડ ફ્રેટ કોરીડોર, જે દેશનો મહત્ત્વનીની પરિયોજના છે. વેસ્ટર્ન ડીએફસ રૂટની ૧,૫૩૦ કિલોમીટરની કામગીરી મુંબઈ નજીક જેએનપીટીથી દિલ્લી નજીક દાદરી સુધીની ચાલી રહી છે. દાદરીથી અજમેર સુધીની કામગીરી પૂર્ણ થયા બાદ ટ્રાયલ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જ્યારે અજમેરથી પાલનપુર સુધીની ૩૫૦ કિલોમીટર લાંબા ટ્રેક સહિતની કામગીરી પણ પૂર્ણ થતા ટ્રાયલ કરવામાં આવ્યું હતું, જે સફળ રહ્યું છે. ડી. એફ. સી. સી.ના ડેપ્યુટી ચીફ પ્રોજેકટ મેનેજર સંપત લોહરે જણાવ્યુ હતુ કે, ન્યૂ પાલનપુર સ્ટેશનથી અજમેરના દોરાઈ સ્ટેશન વચ્ચે ૧૦૦ કિલોમિટર ઝડપે એન્જીન દોડવામાં આવ્યું હતું. હાલમાં માલગાડીની લંબાઈ છે તેના કરતા ડબલ લંબાઈ હશે. એટલું જ નહીં માલગાડી ડબલ કન્ટેનર સાથે દોડશે. આ માટે સાબરમતી ખાતે જ કંટ્રોલ સેન્ટર બનાવાશે. પાલનપુરથી દોરાઈ સુધીના ૩૫૦ કિલોમીટર લાંબા રૂટ પર ૪૫ રેલવે સ્ટેશન તૈયાર કરાયા છે. આ રૂટ પર દરરોજ સરેરાશ ૨૦૦ ગુડ્‌સ ટ્રેનનું સંચાલન થશે. અપ અને ડાઉન ટ્રેનો માટે અલગ અલગ રૂટ હોવાથી ટ્રેનોનું ઝડપી સંચાલન થઈ શકશે. પાલનપુરથી અમદાવાદ થઈ વડોદરા સુધીના રૂટની કામગીરી પણ ડીએફસી દ્વારા શરૂ કરી દેવાઇ છે. જેમાં મહેસાણાથી પાલનપુર સુધીના રૂટ પર અત્યાધુનિક મશીનથી ટ્રેક પાથરવાની કામગીરી ચાલી રહી છે. પ્રોજેકટ પૂર્ણ થયા બાદ ગુડ્‌સ ટ્રેન ઝડપથી દોડશે. પેસેન્જર ટ્રેનને પણ સમય બચશે. પેસેન્જર અને માલગાડી એક ટ્રેક પર દોડતી હોવાથી ટ્રેન ક્રોસ થતી હોય છે. આ સમયે કોઈ એક ટ્રેને રાહ જોવી પડે છે. પરંતુ માલગાડી માટે સ્પેશિયલ કોરિડોર બનાવવા આવી રહ્યો હોવાથી પેસેન્જર ટ્રેન અને માલગાડી બંને અલગ અલગ ટ્રેક પર દોડશે. વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેટ કોરીડોરની કામગીરી ઝડપથી પૂર્ણ કરી નિર્ધારિત સમયમાં ગુડ્‌સ ટ્રેનોનું સંચાલન શરૂ કરી શકાય તે માટે ગુજરાતમાં પહેલીવાર આધુનિક મશીનનો ઉપયોગ કરી ટ્રેક પાથરવામાં આવી રહ્યા છે. ન્યૂ ટ્રેક લિન્કિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સામાન્ય રીતે એક દિવસમાં ૬૦૦થી વધુ કારીગરોની મદદથી ૧૦૦થી ૨૦૦ મીટર ટ્રેક પાથરવામાં આવે છે. હવે આ મશીનની મદદથી ફક્ત ૫૦થી ૬૦ કારીગરોની મદદથી એક દિવસમાં ૧.૫ કિલોમીટરથી વધુ ટ્રેક તૈયાર કરી શકાય છે. ગુજરાતમાં ડેડીકેટેડ ફ્રેટ કોરીડોર પ્રોજેકટની કામગીરી ૨૦૨૨ સુધીમાં પૂર્ણ થઈ જશે.