રાજપીપળા, તા.૨૧ 

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ પોતાની વિવિધ માંગોને લઈને સ્થાનિક આદિવાસીઓનો વિરોધ વધ્યો છે.સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકાસ સતા મંડળ કાયડો બનાવ્યો એ બાદ નર્મદા નિગમ દ્વારા એ વિસ્તારના ગામોની જમીનો પર તાર-ફેનસિંગ કામગીરી ચાલુ કરી હતી, એ કામગીરીનો વિરોધ વધતા તંત્રએ હાલ પૂરતી કામગીરી સ્થગિત રાખી હતી.નર્મદા નિગમ દ્વારા એ વિસ્તારની જમીનો પર તાર-ફેનસિંગ કરતા ખેતી પર નભતા આદીવાસી ખેડૂતો માટે કપરો સમય આવી પડ્યો છે.એવા આદિવાસીઓની મદદ કરવા ગુજરાતના ૫૦ જેટલા વિવિધ આદીવાસી સંગઠનોએ એક મુહિમ ચાલુ કરી છે.આદીવાસી સંગઠનના આગેવાનો ગુજરાતના ઉમરગામથી અંબાજી સુધીના ૫૫૦૦ જેટલા આદિવાસી ગામોમાં જઈ દરેક ઘર દીઠ ૧ રૂપિયો અને એક મુઠ્ઠી અનાજ લઈ એકત્ર કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના અદિવાસીઓનું જીવન ધોરણ ચાલે એ માટે ઘરે ઘરે જઈ એ વિસ્તારના આદિવાસીઓને આપે છે.સાથે સાથે આદીવાસી આગેવાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન સત્તા મંડળ કાયદો રદ કરવા સહી જુમ્બેશ પણ ઉપાડી છે.લાખોની સંખ્યામાં આદિવાસીઓ આ મુહિમમાં જોડાયા હોવાનું આદિવાસી આગેવાનોનું કેહવું છે.આ મુહિમમાં જોડાયેલા આદીવાસી આગેવાન ડો.પ્રફુલ્લ વસાવાએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના આદિવાસીઓને સરકાર જો ખેતી નહિ કરવા દે તો આખું વર્ષ આદિવાસી સમાજ એમને જમવાનું પૂરું પાડશે.આજે એક જ સંગઠન આદિવાસીઓની વ્હારે આવ્યું છે પણ આવનારા દિવસોમાં ગુજરાતના તમામ સંગઠનો આગળ આવશે.સરકાર જો આદીવાસી સમાજને લૂંટી રહી છે તો એમને બચાવવાની જવાબદારી આદિવાસી સમાજની જ છે.