દિગ્ગજ નેતા અને પોતાના સમયમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં મોટી ઓળખાણ રાખનાર અમર સિંહનું નિધન થઈ ગયું છે. તેઓ 64 વર્ષના હતા અને સિંગાપુરમાં સારવાર ચાલી રહી હતી. અમર સિંહના નિધન બાદ તેમને લોકો શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. મનોરંજનની દુનિયામાંથી પણ તેમને યાદ કરવામાં આવી રહ્યાં છે. એક જમાનામાં અમર સિંહના નજીકના રહેલા અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. પરંતુ તેમાં તેમણે કંઈ લખ્યું નથી. પરંતુ યૂઝરોને લાગી રહ્યું છે કે અમિતાભ બચ્ચનની માથુ ઝૂકાવેલી આ પોસ્ટ અમર સિંહ માટે છે. 

હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાંથી બિગ બીએ પોતાના મિત્ર અમરસિંહને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે સોશિયલ મીડિયામાં એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં અમિતાભ બચ્ચનનું માથું ઝૂકાયેલું જોવા મળે છે. સોશિયલ મીડિયામાં શૅર કરવામાં આવેલી તસવીર સાથે કોઈ કેપ્શન પોસ્ટ કરવામાં આવ્યું નહોતું. જોકે, અમિતાભે બ્લોગમાં તસવીર સાથે અમરસિંહના સન્માનમાં બે ઈમોશનલ લાઈન લખી હતી. 

અમિતાભે કહ્યું હતું, ‘શોકગ્રસ્ત, મસ્તિષ્ક ઝૂકેલું, માત્ર પ્રાર્થનાઓ રહી, નિકટ પ્રાણ, સંબંધ નિકટ, તે આત્મા હવે નથી...’ એક સમયે હતો જ્યારે અમરસિંહ તથા બચ્ચન પરિવાર એકબીજાની નિકટ હતો. અમરસિંહ જ જયા બચ્ચનને સમાજવાદી પાર્ટીમાં લઈને આવ્યા હતા. જોકે, 2012માં અનિલ અંબાણીની પાર્ટીમાં જયા બચ્ચન સાથે બોલાચાલી થઈ હતી અને પછી બંનેના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. 

મ્યૂઝિક આલ્બમના લોન્ચિંગ દરમ્યાન અમરસિંહે કહ્યું હતું, ‘અમિતાભ બચ્ચન અનેક ગુનાહિત કેસમાં સામેલ છે. પનામા પેપર વિવાદમાં પણ તેમનું નામ આવ્યું હતું.’ અન્ય એક ઈવેન્ટમાં અમરસિંહે કહ્યું હતું, ‘ઐશ્વર્યા મને ઘણું સમ્માન આપે છે. અભિષેકે પણ આજ સુધી મારા વિરુદ્ધ કંઈ કહ્યું નથી. મને અમિતાભ બચ્ચન સામે પણ કોઈ વાંધો નથી. તેમણે જ મને કહ્યું હતું કે જયા બચ્ચનને રાજકારણમાં ના લાવો પણ મેં જ તેમની સલાહ ન માની.’

આ વર્ષે ફેબ્રુઆરીમાં બચ્ચન પરિવારની માફી માગી હતી

અમરસિંહે 18 ફેબ્રુઆરી, 2020ના રોજ અમિતાભ બચ્ચનની માફી માગી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું, ‘આજે મારા પિતાજીની પુણ્યતિથિ છે અને અમિતાભ બચ્ચનજીએ મને મેસેજ મોકલ્યો છે. જિંદગીના આ પડાવ પર હું જીવન અને મોત સામે લડી રહ્યો છું. અમિતજી તથા તેમના પરિવાર પર અનેક નિવેદનો કર્યા હતા અને તે માટે ખેદ પ્રગટ કરું છું. ભગવાન સૌની રક્ષા કરે.’