વડોદરા

ગોરવા વિસ્તારના કામઘેનુ ઈન્ડસ્ટ્રીઅલ એસ્ટેટમાં આવેલા ગોડાઉનમાંથી એક લાખથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી કરનાર ત્રિપુટીની ગોરવા પોલીસે ધરપકતડ કરી હતી તેઓની પાસેથી ૧૮ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ગોરવામાં કામઘેનુ ઈન્ડસ્ટ્રીઅલ એસ્ટેટમાં આવેલા અવધૂત કોર્પોરેશન કંપનીના ગોડાઉનમાં તસ્કરો આશરે એક લાખની કિંમતની અલગ અલગ જાતની કોપરની પાઈપની ચોરી કરી ગયા હતા. તાજેતરમાં કંપનીના કર્મચારીઓએ ગોડાઉનના સીસીટીવી કેમેરાના ફુટેજ જોતા તેમને જાણ થઈ હતી કે ગત થર્ટીફર્સ્ટની રાત્રે બે તસ્કરોએ ડુપ્લીકેટ ચાવીથી ગોડાઉનનું લોક ખોલી તેમાંથી ઉક્ત ચોરી કરી છે. આ બનાવની ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ગોરવા પોલીસે તાજેતરામાં ગોરબા બીઆઈડીસીમાંથી શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડેલા આરોપીઓ આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના આમરોલ ગામમાં રહેતા હિતેશ મનુભાઈ પરમાર, રણજીત સોમાભાઈ પરમાર અને દિનેશ સોમાભાઈ પરમારની ઉક્ત ચોરીના બનાવમાં અટકાયત કરી તેઓની પાસેથી ૧૮,૪૫૬નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.