આણંદ : આણંદ પાલિકાના આગામી તા.૨૮મીના યોજાનારા ચૂંટણી જંગના રાજકીય પ્રચારનો ધમધમાટ શરૂ થવા પામ્યો છે. શાસક પક્ષ દ્વારા ભલે નો રિપીટ થીયરીનો અમલ કરવામાં આવ્યો હોય, પણ શહેરનાં વિકાસને વંચિત રાખવાના કાવાદાવાઓ પડશે એવી ચર્ચા છે. સિવિલ હોસ્પિટલ સાકાર કરવાના સપનાં દેખાડી, સિટી બસ ફાળવવાના વાયદાઓ કરી નગરની જનતાને સંતાકૂકડી રમાડી છે. વારંવાર ટ્રાફિક સમસ્યા ઊભી કરતાં ભાલેજ ઓવરબ્રિજને પહોળો કરવા સાથેની આ ત્રિશુલ સમસ્યા શાસક પક્ષને જંગમાં નડશે એવી ચર્ચા છે. રાજકીય પક્ષો તથા અપક્ષ દ્વારા પ્રચારનો ધમધમાટ શરૂ થવા પામ્યો છે. છેલ્લા દશ વર્ષથી આણંદ ખાતે અદ્યતન સિવિલ હોસ્પિટલ સાકાર કરવાના મુદ્દે સરકાર દ્વારા લોલીપોપ કે ઠાલાં વચન અપાતાં હોય સ્થાનિક નેતાઓ પણ સિવિલ સાકાર કરવાની રજૂઆત મુદ્દે નબળાં સાબિત થઈ રહ્યાં છે.

બીજી બાજુ પાંચ વર્ષ પૂર્વ તત્કાલીન મુખ્ય મંત્રી આનંદીબેન પટેલ દ્વારા આણંદ પાલિકાને વીસ જેટલી સિટી બસ ફાળવવાના આપેલા કોલ અભરાઇ પર ચઢી ગયાં હોય ફરી વખત આણંદની જનતાને સંતાકૂકડી રમાડવામાં આવી હતી. આ સાથે શહેરને નેશનલ હાઇવ નં.૪૮ને જાેડતાં ભાલેજ ઓવરબ્રિજ પર વધતાં જતાં વાહનોના આવાગમનના કારણે વારંવાર ટ્રાફિક સમસ્યા તેમજ અકસ્માત સર્જાતાં હોય પહોળો કરવાની વારંવાર થતી માગ છતાં સરકારની ચૂપકીદી સાથે નબળી નેતાગીરીના કારણે આણંદગરાઓ માટે ત્રિશુલ સમસ્યાના ઉકેલ ન આવતાં પાલિકા ચૂંટણી જંગમાં શાસક પક્ષને આ ત્રિશુલ નડશે, એવી ચર્ચા રાજકીય વર્તુળમાં ભલે પાલિકાના અગાઉના શાસનમાં વકરેલા ભ્રષ્ટાચારના કારણે નો રિપીટ થીયરી છબિ સુધારવા અપનાવવામાં આવી હોય, પણ સુવિધાની સમસ્યાના ઉકેલ પર નિષ્ફળ નબળી નેતાગીરીના મુદ્દે મતદારો સવાલની છડી વરસાવાની શક્યતા શાસક પક્ષ માટે જાેવામાં આવી રહ્યાંનુ જાણવા મળેલ છે.