વડોદરા : સરકારના ટ્રબલ શૂટર તરીકે જાણીતા અને સ્વચ્છ છબી ધરાવતા ડો. સમશેર સિંગે આજે વડોદરા શહેર પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ વિધિવત્‌ રીતે સંભાળ્યો હતો. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોવા ઉપરાંત અસામાજિક પ્રવૃત્તિઓ વધવા ઉપરાંત બીજા અનેક વિવાદોમાં સંડોવાયા બાદ પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટની માત્ર પાંચ જ મહિનાના ટૂંકાગાળામાં જ બદલી થયા બાદ શનિવારે ડો. સમશેર સિંગની શહેર પોલીસ કમિશનર તરીકેની નિમણૂકની જાહેરાત થઈ હતી. 

નવનિયુક્ત પોલીસ કમિશનર ડો. સમશેર સિંગે આજે વિધિવત્‌ ચાર્જ સંભાળ્યો છે. આજે ચાર્જ લેવા માટે વડોદરા આવી પહોંચેલા ડો. સમશેર સિંગનું પોલીસ ભવન કેમ્પસમાં સલામી આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ તેમનું સ્વાગત કર્યું હતું અને વડોદરાની કમાન સંભાળવા બદલ શુભેચ્છા પાઠવી હતી. ગઈકાલે આર.બી.બ્રહ્મભટ્ટને પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતેથી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

ડો. સમશેર સિંગ કડક છબી ધરાવતા પોલીસ અધિકારી છે અને સરકારના ટ્રબલ શૂટર તરીતે જાણીતા છે. ડો. સમશેર સિંગે જણાવ્યું હતું કે, શહેરની શાંતિ અને સુરક્ષા માટે તમામ પગલાં લેવામાં આવશે. સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ, ઓનલાઈન ગેમ્બલિંગ, ગુજસીટોક સહિતના નવા કાયદાઓ પ્રમાણે પાલન કરાવાશે અને તેમાં જરૂર પડયે પાસા પણ કરવામાં આવશે. આ ઉપરાંત કોરોનાકાળમાં સતત ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓનું હેલ્થ મેનેજમેન્ટ અને તેમના વેલ્ફેર માટે જરૂરી પગલાં લેવામાં આવશે. વડોદરામાં મહિલા અને સિનિયર સિટિઝન્સ તેમની સુરક્ષા અને પોલીસના તેમના પ્રત્યે સંવેદનશીલ વર્તનને લઈને વ્યવસ્થા તૈયાર કરવામાં આવશે. બે દિવસ પહેલાં રાજ્ય સરકાર દ્વારા ત્રણ આઈપીએસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા હતા, જેમાં એડિશનર ડાયરેકટર ઓફ પોલીસ ગાંધીનગર ખાતે ફરજ બજાવતા ડો. સમશેર સિંગની વડોદરાના નવા પોલીસ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે.