છોટાઉદેપુર

પાવીજેતપુર તાલુકાના ડુંગરવાટ ગામે આવેલ સુખી ડેમ ભરાઈ ગયો છે પરંતુ તંત્રની નિષ્કાળજીના કારણે કેનાલોનું રિપેરીંગ કામ ન કરવામાં આવતા છતે પાણીએ હવાતિયાનો વારો આવશે જેથી કિસાનો ઉપર ટેન્શનના વાદળો છવાઈ રહ્યા છે.આ વર્ષે વરસાદ નું પ્રમાણ ખૂબ જ સારું રહ્યું હોય સિઝનનો ૧૩૧૪ એમએમ જેટલો વરસાદ વરસી જતા સુખીડેમ ૧૦૦ % ભરાઈ ગયો છે અને કિસાનો ને પાણી આપવા માટે નું શિડ્યુલ પણ નક્કી કરી દેવામાં આવ્યું છે ત્યારે સુખી ડેમ ની કેટલી કેનાલો તૂટી ગઈ છે ગાબડા પડી ગયા છે જેને સુખી સિંચાઇના અધિકારીઓ દ્વારા રિપેર કરવામાં ન આવતા છતે પાણીએ હવાતિયા મારવા નો વારો કિસાનોનો આવવાનો છે . અધિકારીઓનું વારંવાર ધ્યાન દોરવા છતાં મગરમચ્છ ની ચામડી ધરાવતા અધિકારીઓ એસી ગાડી તેમજ એસી ઓફિસમાંથી બહાર નીકળતા જ નથી, ટેન્ડરો બહાર પાડી કામ થયું છે કે નથી થયું તેની ચોક્કસ તપાસ કરતા નથી જેના કારણે સુખી સિંચાઈની કીટલીય કેનાલના ગાબડાં નીકળી જવા પામ્યા છે .પાવી જેતપુર થી ત્રણ કિલોમીટરના અંતરે આવેલ ખાંડીયા અમાદર પાસેની કેનાલ બેથી અઢી કિલોમીટર જેટલી સાવ ખખડધજ થઇ જવા પામી છે. અહિંયા કેનાલ હશે એવું નામોનિશાન રહ્યું નથી. એમાં ઝાડી-ઝાંખરા ઊંગી જવા પામ્યા છે તો આના માટે જવાબદાર કોણ ? આ અંગે અધિકારીઓને ફોન કરીએ છીએ તો અધિકારીઓ ફોન ઉઠાવતા નથી ખરેખર આ કેનાલનું ટેન્ડરિંગ થયું છે કે નથી થયું ? હજુ કામ કેમ બાકી છે ? તેવા અનેક વેધક સવાલો ધરતી પુત્રોમાં ઉઠી રહ્યા છે.પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના ડુંગરવાંટ ગામે આવેલ સુખી નદી ઉપર ૧૯૭૮માં સુખી ડેમ બનાવવાની કામગીરી આરંભવામાં આવી હતી જે કામગીરી ૧૯૮૭માં પૂર્ણ થતા સુખી ડેમ તૈયાર થયો હતો જેનાથી કુલ ૩૧૫૩૨ હેક્ટરમાં પાણી પહોંચે તેવું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ૨૦૭૦૧ હેક્ટરમાં પિયાત ખેતી થઈ શકે એવું સુંદર આયોજન કરાતા કિશાનો ખુશખુશાલ થઈ ગયા હતા, કિસાનોની આર્થિક પરિસ્થિતિ પણ ખૂબ જ સારી થઈ જવા પામી હતી જે તે સમયે પાવીજેતપુર તાલુકાના ૬૭ ગામો, છોટાઉદેપુર તાલુકાના ૧૧ ગામો, સંખેડા તાલુકાના ૧૬ ગામો, પંચમહાલ જિલ્લામાં જાંબુઘોડા તાલુકાના ૩૫ ગામો મળી કુલ ૧૨૯ જેટલા ગામોમાં ૨૦૭૦૧ હેકટર જેટલી જમીનને લાભ થતો હતો. આ સુખી સિંચાઈ યોજના પાવી જેતપુર છોટાઉદેપુર સંખેડા જાંબુઘોડા તાલુકાની જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થઇ રહ્યો છે પરંતુ તંત્રની નિષ્કાળજીના કારણે કેનાલોનું રિપેરિંગ કામ ના કરતાં આ વિસ્તારની જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ આદિવાસી વિસ્તારની કાયાપલટ કરવા માટે સુખી ડેમ બનાવવામાં આવ્યો છે આ સુખી ડેમ બનાવતા કેટલાય ગામોના લોકોએ પોતાના ઘરબાર છોડીને સ્થાળાંતર કરી અન્ય જગ્યાઓ પર પોતે સ્થાયી થયા છે પોતાના તેમજ આજુબાજુના કિસાનોને લાભ થાય તે માટે પોતાના વતન છોડીને બીજી જગ્યા ઉપર રહેવા ગયા છે ત્યારે આ સુખી સિંચાઇના અધિકારીઓ ખખડધજ થઇ ગયેલી કેનાલનું રીપેરીંગ કામ કરાવતા નથી જેના કારણે છતે પાણીએ હવાતિયાનો વારો આવવાનો છે. છતે પાણીએ વલખાં મારવા ના પડે તે માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં રીપેરીંગ કામ કરવામાં આવ્યું નથી કેટલીય કેનલોમાંથી પાણી લીકેજ થઈ જશે પરંતુ સીસ્ટમ બદલાઇ જતા હવે આ લોકોને પાણી મળવાનું છેલ્લા ૧૦ વર્ષથી બંધ થઈ ગયું છે.

રોજકુવા વિસ્તાર ઝાડી-ઝાંખરા ઉગ્યા હોવાથીે કેનાલોનું નામોનિશાન મટી ગયું

રોજકુવા વિસ્તારની કેનાલોમાં એટલા ઝાડી-ઝાંખરા ઊગી ગયા છે કે જાણે કેનાલોનું નામોનિશાન મટી ગયું છે. ખરેખર તંત્ર આ અંગે ઘટતું કરી ઝાડી ઝાંખરા દૂર કરી તૂટી ગયેલ કેનાલો રીપેર કરાવે તેવી રોજકુવા વિસ્તારના ૨૦ જેટલા ગામોના ધરતીપુત્રોની બુલંદ માંગ ઉઠી છે.