વડોદરા : વડોદરા મહાનગર પાલિકા દ્વારા આજવા સરોવરના નિમેટા પ્લાન્ટની ખામી બે - બે વર્ષથી દૂર કરવામાં ધરાર બેદરકારી દાખવવામાં આવી રહી છે. જેને લઈને શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં રહેતા રહીશોને અવારનવાર દુષિત પાણી મળી રહ્યું છે. આ સંજોગોમાં રહીશો દ્વારા સબંધિત પાલિકાની વોર્ડ ઓફિસરો અને કચેરીઓ ઉપરાંત કમિશ્નર સમક્ષ પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં આ દુષિત પાણીના પ્રશ્ને શાસકો અને તંત્ર મૌન સેવી રહયા છે. આજે સવારે શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર આવેલ સોસાયટીઓમાં દુષિત પાણી આવતા રહીશો હેરાન પરેશાન થઇ ગયા હતા. જેને લઈને પ્રજાની સમસ્યા યથાવત રહેતા કોરોનાના કપરા કાળમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. પાલિકા દ્વારા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારના સાત લાખ ઉપરાંત નાગરિકોને નિમેટામાંથી પાણી પૂરું પાડવામાં આવે છે.આ પાણીમાં માથું ફાડી નાખે એવી દુર્ગંધ મારવી, માછલીઓ,અળશિયા નીકળવા, કાળું-ચીકણું- પીળું અત્યંત દુર્ગંધ મારતું પાણી આવવું એવી સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે. ડિસેમ્બર -૨૦૧૮થી શરુ થયેલી આ સમસ્યા બાબતે પાલિકાની સભામાં અવારનવાર ઉહાપોહ થવા ઉપરાંત વિપક્ષની સાથોસાથ શાસક પક્ષના કાઉન્સિલરો દ્વારા પણ આ બાબતે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં પાલિકાના અધિકારીઓ, સબંધિત વિભાગો સહિતના તંત્ર દ્વારા કે શાસકો દ્વારા આ સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. આને લઈને આજે વધુ એક વાર શહેરના ઉત્તર અને પૂર્વ વિસ્તારની હદ પર આવેલ હરણી વારસિયા રિંગ રોડ પરની અનેક સોસાયટીઓમાં પાણીના નળમાંથી સવારે દુષિત અને અત્યંત દુર્ગંધ મારતું પાણી આવતા રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. તેમજ મોટાભાગનાઓને બહારથી ટેન્કર અને પાણીના જગ મંગાવીને આર્થિક ભારણ ઉઠાવવું પડ્યું હતું. પાલિકામાં આ બાબતે ફરિયાદ કરવા છતાં કોઈ અન્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી નહોતી એવો આક્ષેપ રહીશો કરી રહયા છે.