લખનૌ- 

મુરાદાબાદ-આગરા હાઈ-વે ખાતે શનિવારે સવારે ગાઢ ધુમ્મસને પગલે દ્રશ્યક્ષમતા ઓછી હોવાને પગલે એક બસ અને ટ્રક વચ્ચે ટક્કર થવાથી ઓછામાં ઓછા 10 જણાનાં મોત થયા છે અને બીજા ડઝનબંધ લોકોને ગંભીર ઈજાઓ થઈ હોવાનું અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું. 

આ અકસ્માત બાબતે વધારે માહિતી આપતાં જિલ્લા મેજીસ્ટ્રેટ રાકેશ કુમાર સિંઘે કહ્યું હતું કે, અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને રૂપિયા 2 લાખની સહાય અપાશે જ્યારે ગંભીર રીતે ઘવાયેલાઓને ઈલાજ ઉપરાંત 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. 

ઘટનાની ખબર પડતાં જ સિંઘ સહિત પોલીસના અન્ય અધિકારીઓ તેમજ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રભાકર ચૌધરી પણ ઘટનાસ્થળે ધસી ગયા હતા. અંદાજે સવારે 8ના સુમારે આ અકસ્માત થયો હતો. આ ઘટના બાદ માર્યા ગયેલા લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયા હતા અને જે લોકોને ગંભીર ઈજાઓ થઈ છે તેમને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું સિંઘે જણાવ્યું હતું.