આણંદ : અમેરિકામાં આગામી નવેમ્બરમાં યોજાનાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં અમેરિકન ભારતીયોના વોટ મેળવવા અલગ પ્રકારનું કેમ્પેન કરવામાં આવી રહ્યું છે. બંને પક્ષ રિપબ્લિક અને ડેમોક્રેટિક પાર્ટી ગુજરાતીઓને પોતાના તરફે કરવા નીતનવાં ગતકડાંઓ અજમાવી રહ્યાં છે. અમેરિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ મોદીની લોકપ્રિયતાનો સહારો લઈ રહ્યા છે. ટ્રમ્પે પોતાના પ્રચાર અભિયાનના વીડિયોમાં હાઉડી મોદી, નમસ્તે ટ્રમ્પના ફૂટેજનો ઉપયોગ કર્યો છે. બીજી તરફ બાઇડન ઓબામા સરકાર સમયના ભારતીય સંબંધોને આગળ ધરંને ગુજરાતીઓને આકર્ષી રહ્યાં છે. વળી ડેમોક્રેટિક પાર્ટીએ ઉપરાષ્ટ્રપતિ પદ માટે મૂળ ભારતીય એવાં કમલા હેરિસને ઉમેદવાર જાહેર કરી ભારતીયોને લોભવવા ક્યારના પ્રયત્નો શરૂ કરી દીધાં હતાં. 

સૂત્રોના જણાવ્યાં મુજબ, કોરોના કાળની મહામારી સ્થિતિ વચ્ચે યોજાઈ રહેલી અમેરિકન રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ડેમોક્રેટ્‌સ અને રિપબ્લિકન પાર્ટીઓનું પ્રચાર અભિયાન ચરમસીમાએ પહોંચી ગયું છે. ચૂંટણીમાં બંને પક્ષો ભારતીય અમેરિકનોને આકર્ષવા તનતોડ મહેનત કરી રહ્યાં છે. ભારતીય સમુદાય પણ આ ચૂંટણીમાં રંગેચંગે ભાગ લઈ રહ્યો છે.

આ અંગે લેબોન ગ્રૂપના ચેરમેન અને પોલિટિકલ એક્શન કમિટીના મેમ્બર યોગી પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, અમેરિકા બાબતે ટ્રમ્પની નીતિ સ્પષ્ટ અને અમેરિકા ફર્સ્ટ વિઝનને વાસ્તવિક બનાવશે. અમેરિકાને ઉત્પાદનના વિશ્વના સુપરપાવર હબ બનાવવા અંગે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં ઉત્પાદન કરતી કંપનીઓને ટેક્સ ક્રેડિટ આપશે, જેનાથી ચીનમાં ખસી ગયેલા નોકરીઓને પાછી લાવી શકાશે. છેલ્લા ચાર વર્ષોમાં ડોનાલ્ડ ટ્રમ્પ મજબૂત અને ગૌરવશાળી ર્નિણયો લઈ અમેરિકાને અસાધારણ અવિશ્વસનીય પ્રગતિ આપી છે. અમને આશા છે કે તેમના નેતૃત્વમાં અમેરિકા ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધશે. ટ્રમ્પ શાસનના બીજા કાર્યકાળમાં માત્ર દસ મહિનાઓમાં જ એક કરોડ નોકરીઓ ઊભી કરવાનું આપેલું વચન તેઓને વિજયી બનાવશે.

દરમિયાન કેલિફોર્નિયા સ્ટેટના અમેરિકન ભારતીયો ટ્રમ્પના સમર્થનમાં ચૂંટણી પ્રચાર અભિયાન પોલિટિકલ એક્શન કમિટી બનાવી છે. ગુજરાતી ફોર ટ્રમ્પ અને ઇન્ડિયન્સ ફોર ટ્રમ્પ કેમ્પેન ચાલી રહ્યું છે. ટ્રમ્પના શાસન દરમિયાન ચીન અને પાકિસ્તાન વિદેશનીતિ અને ઇસ્લામિક આતંકવાદ વિરુદ્ધ કટ્ટરતાને લઈ ભારતીયો ટ્રમ્પની પ્રથમ પસંદગી હોવાનું જણાય આવે છે. અમેરિકામાં ૨૫ લાખથી વધુ ભારતીય અમેરિકન મતદારોને આકર્ષવા માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનો ઉપયોગ શરૂ કર્યો છે. ટ્રમ્પે પોતાના પ્રચાર અભિયાનમાં જાહેર કરેલા વીડિયોમાં હાઉડી મોદી, નમસ્તે ટ્રમ્પના ફૂટેજનો ઉપયોગ કરાઇ રહ્યો છે. ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના પ્રમુખ અને ગુજરાતી ફોર ટ્રમ્પના કમિટી મેમ્બર પરિમલ શાહે મીડિયાને કહ્યું હતું કે, ગત ચાર દાયકામાં અમેરિકાની વિદેશ નીતિ હોય કે ઘરેલુ સુરક્ષા સાથે જાેડાયેલાં મુદ્દા સંબંધે હંમેશા બાઇડન ખોટાં પક્ષ સાથે જ ઊભાં રહ્યાં છે. અમેરિકાના કમાન્ડોએ જે હુમલામાં અમેરિકાના સૌથી મોટા દુશ્મન વૈશ્વિક આતંકવાદી ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં મારી નાખ્યો હતો ત્યારે બાઇડને ઓબામાને આ હુમલો ન કરવાની સલાહ આપી હતી. તેમણે ૧૯૯૧ના ખાડી યુદ્ધની સામે વોટ કર્યો હતો. ૨૦૧૩માં તેમણે ઇરાકના હુમલાના સમર્થનમાં વોટ કર્યા બાદ ઇરાકમાં અમેરિકાની દખલગીરીના પ્રમુખ ટીકાકાર પણ બન્યાં હતા. તેઓ સબળ ર્નિણયો લેવામાં ડરપોક અને મધ્યમમાર્ગી હોઈ હાલની વિશ્વિક સમસ્યા બની ચૂકેલ ઇસ્લામિક આતંકવાદ અને ચીન ટ્રેડ વોર તેમજ વિશ્વ યુધ્ધ જેવી પરિસ્થિતિમાં અમેરિકાને નિર્ણાયક નેતૃત્વ આપવામાં નિષ્ફળ રહેશે. ભારતીયો ટ્રમ્પ શાસનને જ પોતાનો વોટ આપશે.