વાઘોડિયા, તા.૧૮ 

વાઘોડિયાના જરોદ ગામે પશુપાલક નરવતસિંહ કનકસિંહ રાણા પશુપાલનનો વ્યવસાય કરે છે. તેમના ડેલામા છેલ્લા ત્રણ-ચાર દિવસમાં વારાફરતી અજાન્યા રોગચાળાના કારણે ૧૫ જેટલા પશુઓ મોતને ભેટયા છે જેને લઇ વાઘોડિયા તેમજ વડોદરા જિલ્લાના પશુ ચિકિત્સક જરોદ ખાતે દોડી આવ્યા હતા. પહેલાં તો પશુપાલકને લાગ્યુ કે કોઈ ઝેરી ઘાસચારાની અસરતળે પશુઓ મોતને ભેટી રહ્યા છે. પરંતુ સાચી જાણકારી મેડવવા વાઘોડિયા પશુ દવાખાને પશુ ચિકીત્સકને આખીઘટનાની જાણ કરી હતી. જેના પગલે વાઘોડિયા પશુ દવાખાના ચિકિત્સક, વડોદરા જિલ્લા મદદનીશ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત વડોદરા તેમજ પશુ રોગ સંશોધક એકમની ટીમ મુલાકાતે આવી પહોંચ્યા હતાં. પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યુ કે જ્યાં પશુઓ બંધાયેલા છે ત્યાં ખુબજ પ્રમાણમા કાદવ કીચડ અને ભેજ હોવાના કારણે તાપમાન નીચુ જવાના કારણે મોત નિપજ્યુ હોઈ શકે. હાલ ચોમાસાની ઋતુને કારણે સતત ભેજવાળા વાતાવરણને કારણે ટેમ્પરેચર ઓછું થતાં પશુઓમા આ પ્રકારનો વાયરસ જોવા મળે છે જેમાં પશુ મોઢામાંથી ફિણ અથવા લાલ પડવાની શરૂ કરે છે અને અંતે મોતને ભેટે છે. તાપમાન નીચું જતા આ વાયરસ જોર પકડે છે. સામાન્ય રીતે આ વાઇરલ ઇન્ફેક્શન હોવાનું ટીમે જણાવ્યું હતું.