વડોદરા, તા.૨૯

શહેરના કમાટીબાગ ઝૂના નવિનીકરણ ચાલી રહેલી કામગીરીમાં કોન્ટ્રાકટર દ્વારા બાળમજૂરો દ્વારા કામગીરી કરાવાઈ રહ્યાની માહિતીના આધારે જિલ્લા બાળ શ્રમ નાબુદી ટાસ્ક ફોર્સની ટીમે દરોડો પાડી ૧૦ બાળકીઓ સહિત ૧૭ બાળમજૂરોને મુકત કરાવ્યા હતા અને કોન્ટ્રાકટર શિવાલય ઈન્ફ્રા. પ્રોજેકટના સંચાલક સામે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જિલ્લા બાળશ્રમ નાબુદી ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા શ્રમ તંત્રને મળેલી ફરિયાદના આધારે નાયબ શ્રમ આયુક્ત વડોદરાની ટીમ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ટીમ, જિલ્લા બાળસુરક્ષા એકમ, ચાઈલ્ડ લાઈન વડોદરા, એનસીએમપી સ્ટાફની સંયુક્ત ટીમ બનાવીને વડોદરાના સયાજી ગાર્ડનના પક્ષીઘરમાં ચાલી રહેલી નવિનીકરણની કામગીરીના બાંધકામના સ્થળે તપાસ કરતાં ૧૦ બાળકીઓ અને ૭ બાળકો દ્વારા કામગીરી કરાવાઈ રહ્યાનું જાણવા મળતાં ૧૭ બાળકોને બાંધકામ વ્યવસાયમાં બાળમજૂરીની કામગીરીમાંથી મુકત કરાવ્યા હતા. સવારના સમયે સયાજીબાગમાં કરવામાં આવેલી કાર્યવાહીના પગલે લોકટોળા ઉમટયાં હતાં. કમાટીબાગ ઝૂના નવિનીકરણની ચાલી રહેલી કામગીરીમાં નવા એન્કલોઝર, બર્ડ એવિયરી વગેરે બનાવવાની કામગીરી ચાલી રહી છે જેમાં પક્ષીઘરમાં બાંધકામની કામગીરી માંજલપુર, કબીર રેસિડેન્સી સ્થિત ઓફિસ ધરાવતા શિયાલય ઈન્ફ્રા પ્રોજેકટ લિ.ને કોન્ટ્રાક્‌ આપવામાં આવ્યો હતો. આ બાંધકામ વ્યવસાય જાેખમી પ્રક્રિયામાં આવતી હોઈ શિવાલય ઈન્ફ્રા.ના સંચાલક સામે સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બાળમજૂરીમાંથી મુકત કરાવાયેલા બાળકો પૈકી ચાઈલ્ડ વેલફેર કમિટીના આદેશથી ૧૦ બાળકીઓને હરિસિદ્ધિ એજ્યુકેશન ટ્રસ્ટ કોયલી અને ૭ બાળકોને બાલગોકુલમ્‌ ભૂતડીઝાંતા ખાતે સારસંભાળ માટે મોકલી આપવામાં આવ્યા હતા.