વડોદરા : વડોદરા શહેર-જિલ્લામાં જીવલેણ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે તેવા સમયે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ બની રહ્યો છે. વડોદરાના પાંચ ઝોનમાં સૌથી વધુ કોરોનાના કેસમાં ગ્રામ્ય વિસ્તારના કેસોની સંખ્યા સૌથી વધુ પહોંચી ગઈ ઈ છે. છેલ્લા ર૪ કલાકમાં શહેર-જિલ્લામાં કોરોનાના વધુ ૧૨૬ કેસ નોંધાયા છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાંથી વધુ ૪૧ કેસ આવ્યા છે તેની સાથે ગ્રામ્ય વિસ્તારના અત્યાર સુધી કેસની સંખ્યા ૨૮૩૦ પર પહોંચી છે. હાલમાં ૧૫૮૫ કોરોનાના દર્દીઓ પૈકી ૨૪૨ની હાલત ગંભીર હોવાનું પણ બહાર આવ્યું છે. જેમાં ૧૭૬ ઓક્સિજન પર અને ૬૬ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. વધુ બે દર્દીઓના મોતની સત્તાવાર જાહેરાત કરવામાં આવતાં કુલ આંક ૧૯૦ થયો છે. આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાંથી ૪૩૧૮ શંકાસ્પદ કોરોનાના લક્ષણો ધરાવતી વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં ૪૧૯૨ વ્યક્તિનાં કોરોનાના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા, જ્યારે ૧૨૬ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ તમામ શહેરના માણેજા, દંતેશ્વર, વાઘોડિયા રોડ, આજવા રોડ, માંજલપુર, તાંદલજા, છાણી, સુભાનપુરા, ફતેગંજ, પ્રતાપનગર, વાસણા રોડ, અકોટા, પાણીગેટ, ગોરવા, નિઝામપુરા, કલાલી રોડ, અટલાદરા, તરસાલી, વડસર, કારેલીબાગ, વાઘોડિયા રોડ, ગોત્રી, સમા સહિતના વિસ્તારો, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાંથી પાદરા, કરજણ, સાવલી, કરોડિયા, રણોલી, સેવાસી, કોયલી રોડ, વેમાલી, નંદેસરી, શિનોર, બિલ, ડભોઈ અને પોર સહિતના વિસ્તારોમાંથી કેસો નોંધાયા હતા. જિલ્લાના પાદરા ખાતેથી આજે વધુ આઠ કેસ આવતાં પાદરામાં કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. 

અત્યાર સુધી શહેર-જિલ્લામાંથી ૧૧,૧૯૨ કેસો નોંધાયા હતા. જેમાં આજે વધુ ૧૨૬ નવા કેસો નોંધાતાં કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૧૧,૩૧૮ પર પહોંચી હતી. આ સાથે શહેરની અલગ અલગ હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી ૧૬ દર્દીઓના સારવાર દરમિયાન મોત નીપજ્યાં હતાં. ડેથ કમિટીએ આજે વધુ બે દર્દીનાં મોત કોરોનામાં થયા હોવાનું જાહેર કરતાં કોરોનાના દર્દીઓનો સત્તાવાર મૃત્યુઆંક ૧૯૦ પર પહોંચ્યો હતો. જ્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૯૪ જેટલા દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જેથી ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓની કુલ સંખ્યા ૯૫૪૩ થઈ હતી. જેમાં ૧૪ દર્દીઓને સરકારી હોસ્પિટલમાંથી, ૪૭ દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાંથી અને ૩૩ દર્દીઓને હોમ આઈસોલેશનમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આજે ૧૨૬ પોઝિટિવ કોરોનાના કેસોમાં વડોદરા શહેરના ચાર ઝોન અને વડોદરા ગ્રામ્યમાંથી સૌધી વધુ ગ્રામ્યમાં ૪૧, પશ્ચિમ ઝોનમાંથી ૨૫, દક્ષિણ ઝોનમાંથી ૨૪, ઉત્તર ઝોનમાંથી ૨૦ અને પૂર્વ ઝોનમાંથી ૧૬ કેસો નોંધાયા હતા.