વડોદરા : શહેરમાં નિરંકુશ બનેલા જીવલેણ કોરોનામાં સંક્રમિત બનેલા દર્દીઓ અને મૃત્યુ પામી રહેલા દર્દીઓની સંખ્યા ઝડપભેર વધી રહી છે. જેના કારણે શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઈ રહેલા એમ.એસ.યુનિ. વિજિલન્સ વિભાગના કર્મચારી સહિત ૧૫ દર્દીઓના મોત નીપજ્યાં હતાં. આ સાથે આજે વધુ નવા ૧૨૬ કોરોનાના પોઝિટિવ કેસો નોંધાતાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને ૯૧૧૧ થઈ હતી. બીજી તરફ ડેથ ઓડિટ કમિટીએ આજે વધુ એક દર્દીનું કોરોનામાં મોત થયાનું જાહેર કરતાં કોરોનામાં મૃત્યુ થયાનો દર્દીઓનો કુલ આંક ૧૫૫ થયો હતો. જ્યારે ૧૪૫ દર્દીઓ કોરોનામુક્ત થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જ્યારે હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કુલ ૧૩૮૨ દર્દીઓ પૈકી ૧૧૯૧ સ્ટેબલ, ૧૩૯ ઓક્સિજન પર, ૫૨ (બાવન) વેન્ટિલેટર પર હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. આજે દિવસ દરમિયાન આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમોએ શહેરના વારસિયા, એકતાનગર, બાપોદ, અકોટા, વડસર, દિવાળીપુરા, અટલાદરા, નવાયાર્ડ, છાણી, કારેલીબાગ, નવી ધરતી, કિશનવાડી, ગાજરાવાડી, પાણીગેટ, દંતેશ્વર સહિત ગ્રામ્યના ભાયલી, ઊંડેરા, કરજણ, શિનોર, ડભોઈ, પાદરા, નંદેસરી, સાવલી સહિતના વિસ્તારોમાં સર્વે હાથ ધરી ૨૭૮૧ શંકાસ્પદ કોરોનાની વ્યક્તિઓના સેમ્પલો લેવામાં આવ્યાં હતાં, જેમાં ૧૨૬ વ્યક્તિના કોરોના પોઝિટિવ અને ૨૬૫૫ નેગેટિવ રિપોર્ટ આવ્યા હતા.સારવાર દરમિયાન ૧૫ દર્દીઓએ અંતિમશ્વાસ લીધા હતા. આ તમામ મૃતકોની અંતિમવિધિ કોરોનાની ગાઈડલાઈન મુજબ સ્મશાન ખાતે કરવામાં આવી હતી. આજે આવેલા પોઝિટિવ કેસોમાં વડોદરા રૂરલમાંથી ૪૦, ઉત્તર ઝોનમાંથી ૨૭, પૂર્વ ઝોનમાંથી ૨૨, દક્ષિણ ઝોનમાંથી ૨૦ અને પશ્ચિમ ઝોનમાંથી ૧૭ દર્દીઓ નોંધાયા હતા. ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓમાં ૧૮ દર્દીઓને સરકારી હોસ્પિટલમાંથી, ૪૯ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાંથી અને ૭૮ દર્દીઓને હોમ આઈસોલેશનમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. 

ઓક્સિજનનો પુરવઠો સમયસર મળે તે માટે નોડલ ઓફિસરની નિમણૂક કરાઈ

વડોદરા, તા.૯

શહેરની ગોત્રી, એસએસજી અને અન્ય ખાનગી કોવિડ હોસ્પિટલોને ઓક્સિજન પુરવઠો સમયસર અને સતત મળી રહે તે માટે નોડલ ઓફિસર તરીકે ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરી વડોદરાના બે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

ખાસ ફરજ પરના અધિકારી ડો. રાવે આ અંગે જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ના કેસોનો હાલ વધતો વ્યાપ અને અન્ય જિલ્લાના દર્દીઓના કારણે વડોદરા શહેરની હોસ્પિટલોમાં ભારણ વધી રહેલ છે. છેલ્લાં દસ દિવસથી વડોદરા શહેરને જુદી જુદી એજન્સીઓ મારફતે મળતો ઓક્સિજન સપ્લાય સમયસર મળવામાં તકલીફ ઉપસ્થિત થયેલ છે. હાલમાં ગોત્રી હોસ્પિટલ ખાતે પણ કટોકટ ઓક્સિજન સપ્લાય મળ્યો હતો. ગોત્રી હોસ્પિટલની ટીમની સમયસૂચકતાના કારણે મોટી જાનહાનિની ઘટના ટળી હતી.

ગોત્રી હોસ્પિટલ ખાતે તેમની જરૂરિયાત મુજબનો અંદાજિત ૧૫ થી ૧૭ ટન ઓક્સિજન જે વધીને ૨૦ થી રર ટન થઈ શકે છે તે ઓક્સિજન સપ્લાય સમયસર અને અવિરતપણે મળતો રહે તેમજ શહેરની અન્ય હોસ્પિટલ માટે પણ અંદાજિત પ૦ ટન જટલો જથ્થો મળી રહે તેમજ બે દિવસનો જરૂરિયાત મુજબનો બફરસ્ટોક પણ રાખવો જરૂરી છે. આ તમામ બાબતો સુનિશ્ચિત કરવાની છે. શહેરને ઓક્સિજન સપ્લાય સમયસર અને અવિરતપણે અને સરકારે નક્કી કરેલ ભાવો મુજબ મળી રહે તે માટે નોડલ ઓફિસર તરીકેની નિમણૂક કરવામાં આવેલ છે.

યુનિ.ના વિજિલન્સ ઓફિસરના પી.એ.નું મૃત્યુ

વડોદરા શહેરની એમ.એસ યુનિવર્સિટીમાં અત્યાર સુધીમાં ૪૦થી વધુ કર્મચારીઓ સંક્રમિત થયા છે. જે પૈકી વિજિલન્સ ઓફિસર પી.પી. કાનાણના પી.એ. ચંદ્રકાંત પાટીલનું આજે કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. શનિવારના રોજ વિજિલન્સ ઓફિસર પી.પી. કાનાણીના પી.એ ચંદ્રકાંત પાટીલનો કોરોનાનો રિપોર્ટ

પોઝિટીવ આવ્યો હતો અને વિજિલન્સ ઓફિસ ૩ દિવસ માટે બંધ કરી દેવામાં આવી હતી. આજે વહેલી સવારે કોરોના ચંદ્રકાંત પાટીલનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થતા યુનિવર્સિટીમાં કોરોનાથી

પહેલા કર્મચારીનું મૃત્યુ થયું છે. જેને પગલે યુનિવર્સટીના કર્મચારીઓમાં ભયની સાથે સાથે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.