વડોદરા : વડોદરા શહેર-જિલ્લામાં જીવલેણ કોરોના વાઈરસ આઉટ ઓફ કંટ્રોલ જાેવા મળી રહ્યો છે. તદ્‌ઉપરાંત દિનપ્રતિદિન કોરોનાના કેસોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આજે વધુ નવા ૧૨૭ કોરોના પોઝિટિવ કેસો નોંધાતાં પોઝિટિવ કેસોની સંખ્યા ૧૦ હજાર નજીક એટલે કે ૯૭૯૩ પર પહોંચી હતી. આ સાથે બે ખેડૂત સહિત ૨૦ દર્દીઓએ કોરોનાની સારવાર દરમિયાન જીવ ગુમાવ્યા છે. 

વડોદરા જિલ્લાના કાયાવરોહણ પાસે રૂવાજ ગામે રહેતા ૮૬ વર્ષીય વૃદ્ધ ખેતીકામ કરતા હતા. તેઓનો થાપાનો બોલ ભાંગી ગયો હતો. સોમવારના રોજ તેમને તાવની અસર થતાં તેમને દવાખાને લઈ જવાયા હતા, જ્યાં ઈન્જેકશન આપતાં રાહત રહી હતી. બુધવારે અચાનક તેમની તબિયત લથડતાં પેરાલિસિસની અસર થતાં તેમને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનો કોરોનાનો ટેસ્ટ કરાવતાં જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, સાથે સાથે ફેફસાંમાં ઈન્ફેક્શન અને શ્વાસની તકલીફ શરૂ થતાં તેમનું ગત મોડી રાત્રે મોત થયંુ હતું. કરજણ તાલુકાના નિશાળિયા ગામે રહેતાં પટેલ પરિવારના સદસ્ય કોરોના સંક્રમિત બનતાં તેમનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વરણામાં નવી કરાલ ગામે રહેા અને ખેતીકામ કરતા ૪૫ વર્ષીય વ્યક્તિને અકસ્માત થયો હતો. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનો રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવતાં જે પોઝિટિવ આવતાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

 કોસિન્દ્રા ગામ પાસેના કાશીપુરા સરાર ગામે રહેતા અને પોર જીઆઈડીસી કંપનીમાં નોકરી કરતો ૩૬ વર્ષીય યુવાન કોરોના સંક્રમિત થતાં તેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાતાં જ્યાં સારવાર વેળા મોત નીપજ્યું હતું.

આ સાથે શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૧૬ દર્દીઓના મોત નીપજ્યાં હતાં. બીજી તરફ ડેથ ઓડિટ કમિટીએ પણ આજે વધુ બે દર્દીઓના કોરોનામાં મોત થયાનું જાહેર કરતાં દર્દીઓનો સત્તાવાર મૃત્યુઆંક ૧૬૩ થયો હતો. કોરોનાની સારવાર લઈ રહેલા ૧૩૬૩ દર્દીઓ પૈકી ૧૧૫૬ દર્દીઓની હાલત સુધારા પર, ૧૫૦ ઓક્સિજન પર અને ૫૭ વેન્ટિલેટર પર હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. આજે ૧૦૬ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે ડિસ્ચાર્જ દર્દીઓની કુલ સંખ્યા ૮૨૬૭ થઈ હતી. આજે પોઝિટિવ આવેલા ૧૨૭ કેસોમાં સૌથી વધુ ઉત્તર ઝોનમાં ૨૬, પશ્ચિમ ઝોનમાં રપ, દક્ષિણ ઝોનમાં ૧૯, પૂર્વ ઝોનમાં ૧૬ તેમજ વડોદરા ગ્રામ્યમાં ૪૧ દર્દીઓ નોંધાયા હતા.

આજ સાંજ સુધી આરોગ્ય વિભાગની ટીમો દ્વારા શહેરના તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી ત્રણ હજારથી વધુ ૩૩૪૩ શંકાસ્પદ કોરોનાના લક્ષણો ધરાવતી વ્યક્તિઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા, જેમાં ૧૨૭ પોઝિટિવ અને ૩૨૧૬ નેગેટિવ રિપોર્ટ આવ્યા હતા.

સમા પોલીસ મથકેપીઆઈ સહિત બે પોલીસ કર્મીઓ કોરોના સંક્રમિત બન્યા

વડોદરા. વડોદરા શહેરના કારેલીબાગ, રાવપુરા પોલીસ મથકો બાદ હવે કોરોના વાઈરસે સમા પોલીસ મથકમાં પણ પગપેસારો કર્યો હતો. સમા પોલીસ મથકના પીઆઈ અને આસિ. સબ ઈન્સ્પેકટર કોરોનાના સપાટામાં આવતાં તેઓ કોરોના સંક્રમિત બન્યા હતા. બંને પોલીસ કર્મચારીઓને હોમ ક્વોરાન્ટાઈન કરવામાં આવ્યા છે. સમા પોલીસ મથકમાં કોરોનાએ દસ્તક લેતાં પોલીસ મથકની બિલ્ડિંગને સેનિટાઈઝ કરાઈ હતી.