દિલ્હી-

ટિ્‌વટરને ભારતમાં મળેલી કાયદાકીય કાર્યવાહીની છૂટ પરત ખેંચાયા બાદ કાયદા અને આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે પ્રથમવાર નિવેદન આપ્યું છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ટિ્‌વટરને આઈટીના નવા નિયોમોનું પાલન કરવા અનેક તક આપવામાં આવી પરંતુ તેણે જાણીજાેઈને નિયમોનું પાલન નહીં કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે. આ ઉપરાંત પ્રસાદે વધુમાં જણાવ્યું કે ઉત્તર પ્રદેશમાં જે કંઈપણ થયું તે ફેક ન્યુઝ સામે લડવામાં ટિ્‌વટરની મનમાનીનું ઉદાહરણ છે. કેન્દ્રીય મંત્રીએ શ્રેણીબદ્ધ ટ્‌વીટ કરીને ટિ્‌વટર પર નિશાન તાક્યું હતું. તેમણે લખ્યું કે, ભારતની સંસ્કૃતિ તેના વ્યાપક ભુગોળની જેમ બદલાતી રહે છે. કેટલીક પરિસ્થિતઓમાં સોશિયલ મીડિયા પર વાયરલ થતી બાબત એક નાનકડી ચિંગારી પણ આગનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. ખાસ કરીને ફેક ન્યુઝની બાબતમાં.

ટિ્‌વટર તેના ફેક્ટ ચેકિંગ મિકેનિઝમને લઈને અતિ ઉત્સાહી રહ્યું છે પરંતુ યુપી જેવા કેટલાક કિસ્સામાં કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા બાદ, ફેક ન્યુઝ સામે લડવામાં તેની નિષ્ક્રિયતા છતી થઈ છે. રવિશંકર પ્રસાદે વધુમાં જણાવ્યું કે, ભારતીય કંપનીઓ તે આઈટી હોય કે ફાર્મા, જ્યારે વેપાર માટે તેઓ અમેરિકા અથવા અન્ય કોઈ દેશમાં જાય છે ત્યારે સ્વેચ્છાથી ત્યાંના નિયમો તેમજ કાયદાઓનું પાલન કરે છે. તો પછી ટિ્‌વટર જેવા પ્લેટફોર્મ અન્યાયનો ભોગ બનેલા લોકોનો અવાજ બનવા માટે ઘડેલા દેશના કાયદાનું પાલન કરવામાં શા માટે આનાકાની કરે છે. અંતમાં તેમણે જણાવ્યું કે, જાે કોઈ વિદેશી કંપનીને લાગે છે કે તેઓ પોતાને ભારતમાં અભિવ્યક્તિની આઝાદીનો ઝંડો ઊંચો ફરકાવનાર તરીકે ગણાવીને ભારતીય કાયદાઓનું પાલન કરવાથી બચી શકે છે તો આવા પ્રયાસોને નિષ્ફળ બનાવાશે.