વડોદરા : શહેરના અલકાપુરી વિસ્તારના જેતલપુર રોડ પર આવેલ ઈન્ડિયા બુલ્સ મોલમાં તીર્થ માર્કેટિંગ નામની દુકાનમાંથી રૂા.રપ.પર લાખ ઉપરાંતના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયેલા નોકર સહિત બે આરોપીઓને ગોત્રી પોલીસે રાજસ્થાન ખાતેથી ઝડપી પાડયા છે. તદ્‌ઉપરાંત તેમની પાસે રૂા.૪.૮ર લાખનો ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. 

શહેરના અલકાપુરી વિસ્તારમાં જેતલપુર રોડ પર ઈન્ડિયા બુલ્સ નામનો મોલ આવેલ છે. આ મોલમાં તીર્થ માર્કટિંગ નામની દુકાન આવેલી છે. આ દુકાનના માલિક હિમાંશુભાઈ શાહ છે. દુકાનમાલિકને અકસ્માત થતાં તેમની દુકાને નોકરી કરતા બે રાજસ્થાની યુવાન રવિન્દ્રસિંગ રાવત અને રતનસિંગ રાવતનાઓ ઉપર વિશ્વાસ અને ભરોસો રાખી દુકાન અને ગોડાઉનની ચાવીઓ આપી દુકાનનો વહીવટ ચલાવવા માટે આપ્યો હતો. પરંતુ આ કર્મચારીઓએ દુકાનમાલિક સાથે વિશ્વાસઘાત કરી કંપનીની મારુતિ વાનમાં દુકાનમાંથી માલસામાન ભરી રૂા.રપ.પર લાખની કિંમતના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ દુકાનના મેનેજરે દુકાનમાલિક હિમાંશુભાઈ શાહને કરતાં તેઓ દુકાને આવ્યા હતા અને ચોરીના બનાવની ફરિયાદ ગોત્રી પોલીસ મથકે નોંધાવી હતી. ગોત્રી પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન પોલીસને મળેલ બાતમીના આધારે ગોત્રી પોલીસે રાજસ્થાન ખાતે પહોંચી રવિન્દ્રસિંગ રાવત અને રતનસિંગ રાવતને દબોચી લીધા હતા. તદ્‌ઉપરાંત તેમની પાસેથી રૂા.૪.૮ર લાખનો ચોરીનો મુદ્દામાલ પણ રિકવર કર્યો હતો. બંને આરોપીઓને અત્રે લાવી બનાવ સંદર્ભે સઘન પૂછપરછ સાથે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.