વડોદરા : ભારે ચકચારી બનેલા સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં રહેતા પરિવારના સામૂહિક આપઘાત કેસમાં સંડોવાયેલા બે જ્યોતિષીઓને સમા પોલીસ રાજસ્થાનના નાગોર જિલ્લામાંથી ઝડપી લાવી છે. અત્રે લાવી બંનેનો કોરોનાનો ટેસ્ટ કરાવાતાં સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હવે લોકોને ઠગી મરવા માટે મજબૂર કરનાર જ્યોતિષીઓની આખી ટોળકી અંગે તપાસ હાથ ધરશે. બીજી અત્રેની અદાલતમાં અમદાવાદના પાંચ જ્યોતિષીઓએ મુકેલી આગોતરા જામીનઅરજી નામંજૂર થઈ છે. શહેરના સમા સ્પોર્ટસ્‌ કોમ્પ્લેક્સ સામે આવેલી સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારના ૫ સભ્યોને મોતના મુખમાં ધકેલનાર ૯ જ્યોતિષીઓ પૈકી બે જ્યોતિષીઓની પોલીસે રાજસ્થાનથી ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા બે જ્યોતિષીઓ પૈકી એક જ્યોતિષે સોની પરિવાર પાસેથી વિધિના નામે રૂા. ૪ લાખ અને બીજા જ્યોતિષે રૂા. ૩.૫૦ લાખ પડાવ્યા હતા. આ બે જ્યોતિષી પૈકી રૂા. ૪ લાખ પડાવી જનાર જ્યોતિષ નાણાં લઇ ગયા બાદ વિધિ કરવા માટે આવ્યો ન હતો અને પોતાને મૃત જાહેર કરાવી દીધો હતો. જ્યારે બીજાે જ્યોતિષ સોની પરિવારના ઘરે આવીને કળશવિધિ કરી હતી અને જમીનમાં દાટેલા ૧૯૨૦ની સાલના ચાંદીના સિક્કા ભરેલ કળશ બહાર કાઢીને રૂા.૩.૫૦ લાખ પડાવી ગયો હતો.

ડીસીપી લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, સોની પરિવારને આપઘાત કરવા માટે મજબૂર કરનાર ઠગ જ્યોતિષીઓની ટોળકીના ૯ સાગરિતો પૈકી રાજસ્થાનના નાગરા તાલુકાના ખીનચર ગામમાં રહેતા ગજેન્દ્ર ભાર્ગવ અને કુચેરા ગામમાં સાહિલ વ્હોરા ઉર્ફે સીતારામ ભાર્ગવની ધરપકડ કરવામાં આવી છે. આ જ્યોતિષીઓની ટોળકીનો સૂત્રધાર વડોદરા ગોત્રી વિસ્તારનો રહેવાસી અને હાલ ફરાર હેમંત જાેષી છે. હેમંત જાેષી દ્વારા જ સોની પરિવાર રાજસ્થાનના ઠગ જ્યોતિષ ગજેન્દ્ર ભાર્ગવ અને સાહિલ વ્હોરા ઉર્ફે સીતારામ ભાર્ગવના સંપર્કમાં આવ્યા હતા.

સોની પરિવારના મોભી નરેન્દ્રભાઇ સોની પાસેથી બે જ્યોતિષી પૈકી ગજેન્દ્ર ભાર્ગવે વડોદરા આવીને વિધિ કરવાના નામે ૪ લાખ રૂપિયા પડાવ્યા હતા. ૪ લાખ રૂપિયા લીધા પછી વિધિ કરવા માટે ન આવતાં સોની પરિવારે હેમંત જાેષીનો સંપર્ક કરીને ગજેન્દ્ર ભાર્ગવ અંગે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, ગજેન્દ્ર ભાર્ગવનું મૃત્યુ થયું છે, જેથી તેઓ આવશે નહીં. વાસ્તવમાં ગજેન્દ્ર ભાર્ગવ જીવતો હતો અને પોતાના ગામમાં ટેલરીંગનું કામ કરતો હતો.ત્યાર બાદ જ્યોતિષીઓની ટોળકીના સૂત્રધાર હેમંત જાેષીએ સાહિલ વ્હોરા ઉર્ફે સીતારામ ભાર્ગવનો સંપર્ક કરાવ્યો હતો. સોની પરિવાર સાથે સંપર્ક થયા બાદ સાહિલ વ્હોરા ઉર્ફે સીતારામ ભાર્ગવ વડોદરા સોની પરિવારના ઘરે આવ્યો હતો અને ઘરમાં ધન દટાયેલું છે. કળશવિધિ કરીને બહાર કાઢવા માટે ૩.૫૦ લાખ રૂપિયા લીધા હતા. ૩.૫૦ લાખ રૂપિયા લીધા બાદ સાહિલ વ્હોરા ઉર્ફે સીતારામ ભાર્ગવે વિધિ કરી હતી અને ઘરમાંથી ૧૯૨૦ સાલના ચાંદીના સિક્કા ભરેલો દાટેલો કળશ બહાર કાઢ્યો હતો. સિક્કા બહાર નીકળ્યા બાદ ઠગ જ્યોતિષ સાહિલ વ્હોરા ઉર્ફ સીતારામ ભાર્ગવ સિક્કા ભરેલો કળશ પોતાની સાથે લઇ ગયો હતો.

ડીસીપીએ વધુમાં જણાવ્યું હતું કે, ગોત્રી કેનાલ પાસે રહેતો અને જ્યોતિષ ટોળકીનો સૂત્રધાર મનાતો હેમંત જાેષીનો રાજસ્થાનથી ઝડપાયેલા બે જ્યોતિષ પૈકી ગજેન્દ્ર ભાર્ગવ સાળો થાય છે. ઠગ જ્યોતિષ હેમંત જાેષી સ્થાનિક અખબારોમાં જ્યોતિષ વિધિ માટેની જાહેરાતો આપતો હતો અને જે લોકો સંપર્ક કરે તેઓની માનસિક સ્થિતિ જાેઇને તેઓ પાસે પોતાની જ્યોતિષી ટોળકીના સાગરિતો પાસે મોકલીને વિધિના નામે નાણાં પડાવતો હતો.

ડીસીપીએ જણાવ્યું હતું કે, જ્યોતિષ ટોળકીએ વિધિના નામે સોની પરિવાર પાસેથી ૩૨ લાખ રૂપિયા પડાવ્યા હતા. પોતાનું મકાન ૪૦ લાખ રૂપિયામાં વેચાઇ જાય અને પરિવાર દેવામાંથી બહાર નીકળી જાય તેવી આશાએ જ્યોતિષ ટોળકીના ચક્કરમાં ફસાઇ ગયેલા સોની પરિવારનું કામ તો ન થયું, પરંતુ સોની પરિવારને સામૂહિક આપઘાત કરવાનો વખત આવ્યો હતો, જે સામૂહિક આપઘાતમાં પાંચ વ્યક્તિઓના મોત નીપજી ચૂકયાં છે અને એક મહિલા હજુ સારવાર હેઠળ છે.

રિપોર્ટ નેગેટિવ આવતાં બે ઠગ જ્યોતિષીઓની ધરપકડ

રાજસ્થાનના નાગરા તાલુકાના કુચેરા અને ખીનચર ગામમાંથી ઝડપાયેલા ઠગ જ્યોતિષ ગજેન્દ્ર ભાર્ગવ અને સાહિલ વ્હોરા ઉર્ફ સીતારામ ભાર્ગવને વડોદરા લાવ્યા બાદ તેઓના કોવિડ-૧૯ની ગાઇડલાઇન મુજબ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં તેઓના ટેસ્ટ રિપોર્ટ નેગેટીવ આવતા ધરપકડ કરવામાં આવી છે. તેઓની વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઠગ જ્યોતિષીઓને મોબાઇલ સર્વેલન્સ ટીમની મદદથી ઝડપી પાડવામાં મદદ મળી છે.

પાંચ લેભાગુ જ્યોતિષીઓના આગોતરા જામીન નામંજૂર

વડોદરા. એક જ મુહૂૂર્તમાં આગોતરા જામીનઅરજી મુકનાર લેભાગુ જ્યોતિષી ટોળકીના પાંચેયની આગોતરા જામીનઅરજી અદાલતે ફગાવી દીધી છે. સમા પોલીસના સોગંદનામા ઉપરાંત સરકારી વકીલ ભાવિક પુરોહિતની દલીલોને ધ્યાને લઈ અત્રેની અદાલતે પ્રહલાદરામ છેલારામ જાેશી, ખીનરાજ પંછારામ જાેશી ઉર્ફે સ્વરાજ, હેમંત પંછારામ જાેશી, અલ્કેશ પ્રકાશભાઈ જાેશી અને વિજય ગીરીશભાઈ જાેશી આ તમામ જ્યોતિષીઓની આગોતરા જામીનઅરજી એડિ. ડિસ્ટ્રિકટ જજ એસ.સી.ગાંધીએ નામંજૂર કરી હતી.

મરી ગયો હોવાનું જણાવેલો જ્યોતિષ પોલીસના હાથે જીવતો ઝડપાયો

વડોદરા. સોની પરિવાર પાસે વિધિના નામે રૂા.૪ લાખ પડાવી લીધા બાદ પુષ્કરના બે જ્યોતિષીઓ પૈકી ગજેન્દ્ર ભાર્ગવે વડોદરા આવીને વિધિ કરવા માટે આવવાનું જણાવ્યું હતું. પરંતુ લાંબા સમય સુધી નહીં આવતાં નરેન્દ્રભાઈ સોનીએ હેમંત જાેશીનો સંપર્ક કર્યો હતો અને ગજેન્દ્ર ભાર્ગવ અંગે પૂછતાં ગજેન્દ્રનું મોત થયું છે, એટલે એ નહીં આવે એમ જણાવ્યું હતું. પરંતુ ખરેખર એ જીવતો હતો અને પોતાના ગામ ખીનચર ખાતે ટેલરિંગનું કામ કરતો હતો.