વડોદરા

વડોદરાના ગોત્રી-સેવાસી રોડ ઉપર ગુરુવારે મોડી રાત્રે એસબીઆઈ બેંકના એટીએમ મશીનોમાં ભીષણ આગ ફાટી નીકળતાં સાયરનનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડના લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ બુઝાવી હતી, પરંતુ એટીએમ મશીન બળીને ખાખ થઇ જતાં એટીએમ મશીનમાં લાખોની કેશ ખાખ થઇ ગઇ હોવાની આશંકા સેવાઇ રહી છે.

ફાયર બ્રિગેડના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગોત્રી રોડ સેવાસી ખાતે આવેલા એસબીઆઈ બેંકના બે એટીએમમાં ગઈકાલે રાત્રે દોઢ વાગ્યાના સુમારે ભીષણ આગ લાગી હતી. આગના કારણે સાયરન વાગતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં લાશ્કરો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીમારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. જાે કે આગ કાબૂમાં આવે તે પહેલાં એટીએમ મશીનો બળીને ખાખ થઇ ગયા હતા.

મોડી રાત્રે એટીએમ મશીનોમાં આગ લાગતાં સાયરન વાગતાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. આગના કારણે એટીએમ મશીનો બળીને ખાખ થઇ જતાં લાખોની કેશ સળગી ગઈ હોવાની આશંકા સેવાઇ રહી છે. જાે કે, બેન્ક દ્વારા એટીએમમાં કેટલી કેશ હતી અને તેને કેટલું નુકસાન થયું તેની સત્તાવાર કોઈ માહિતી આપવામાં આવી ન હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયુ નથી. પરંતુ, શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઇ રહ્યું છે.