વડોદરા : શહેરના છાણી નજીક આવેલ આંબા તલાવડી પાસેના સુએઝ પમ્પિંગ સ્ટેશનના સ્લજમાં રહસ્યમય રીતે ૨૩ કાબર મૃત હાલતમાં મળી આવી હતી, જ્યારે ૨૮ જીવિત કાબરોને જીએસપીસીએ સંસ્થાના કાર્યકરોએ રેસ્કયૂ કરીને વન વિભાગને સુપરત કરવામાં આવી હતી. વન વિભાગે આટલી મોટી સંખ્યામાં એકસાથે કાબરોનું મૃત્યુ કયા કારણોસર નિપજ્યું તેની તપાસ હાથ ધરી છે. 

ગુજરાત એસપીસીએ સંસ્થાના મંત્રી રાજ ભાવસારને ટી.પી.૧૩ ફાયર સ્ટેશનના અધિકારીનો ફોન આવ્યો હતો કે, છાણી પાસે આવેલ આંબા તલાવડી નજીક સુએઝ પમ્પિંગ સ્ટેશન આવેલું છે. આ પમ્પિંગ સ્ટેશનના સ્લજમાં કેટલીક કાબરો જીવિત અને મૃત હાલતમાં જાેવા મળી છે. જેથી સંસ્થાના કાર્યકર ધવલ પરમાર તુરંત સ્થળ પર દોડી તપાસ કરતાં સ્થળ પર ૨૩ કાબર મૃત હાલતમાં જાેવા મળી હતી.

જ્યારે અન્ય ૨૮ જેટલી કાબર જીવિત હાલતમાં મળી આવી હતી, જેની જાણ વડોદરા વન વિભાગને કરીને સુપરત કરવામાં આવી હતી. રહસ્યમય સંજાેગોમાં આટલી મોટી સંખ્યામાં કાબરોના મોત કેવી રીતે નિપજ્યાં તેની વન વિભાગે તપાસ હાથ ધરી છે. જાે કે, કાંઈ ખાવાથી કે સુએઝ પમ્પિંગ સ્ટેશનમાં સ્લજના કારણે ગૂંગળામણ થવાથી મોત નિપજ્યાં હોય તેવી શક્યતા પ્રાથમિક તબક્કે વ્યક્ત કરાઈ રહી છે.