હૈદરાબાદ-

કથિત રીતે તાંત્રિકની વિધિની અસર હેઠળ પોતાની બે પુત્રીઓને મોતને ઘાટ ઉતારી દઈને તેમના મૃતદેહોની પાસે બેસી રહેલા એક યુગલને આંધ્ર પ્રદેશના મદનપલ્લી ખાતે પોલીસે પકડી લીધું હતું. રવિવારે પોલીસ આ બનાવના સ્થળે પહોંચી ત્યારે યુગલ તાંત્રિક વિધિના પ્રભાવ હેઠળ હતું. 

આ બંને પૈકી પતિ ડો પુરુષોત્તમ નાયડુ તાંત્રિક વિધિના પ્રભાવમાંથી બહાર આવી ગયા હોવા છતાં પત્ની હજી સુધી એ પ્રભાવ હેઠળ હોવાનું જણાયું હતું અને એ વિચિત્ર વર્તન કરી રહી હતી. એ નાચતી ગાતી હતી અને બૂમો પાડીને કહેતી હતી કે, નવો કોરોના વાયરસ ચીને નથી પેદા કર્યો પણ ભગવાને જ તેને મોકલ્યો છે જેથી, પાપી આત્માઓનો ખાતમો બોલાવી શકાય. 

આ મહિલા નામે પદ્મજાને કોરોના ટેસ્ટ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી ત્યારે તેણે કહ્યું હતું કે, ટેસ્ટની જરુર નથી, હું પોતે જ કોરોના વાયરસનો મનુષ્યાવતાર છું. પોલીસે પુત્રીઓની હત્યા કરવાના કેસમાં ડો નાયડુને પહેલા અને પદ્મજાને બીજા ક્રમના આરોપી બનાવ્યા છે. આ દંપત્તિએ રવિવારે પોતાની બંને પુત્રીઓ નામે આલેખ્યા (27) અને સાઈ દિવ્યા (22)ની નિર્દયી હત્યા કરી નાંખી હતી અને આ કૃત્ય તેમણે મેલી વિદ્યાના પ્રભાવ હેઠળ કર્યું હોવાનું જણાય છે. 

મદનપલ્લીના ડીએસપી અને ડોક્ટરોએ કહ્યું હતું કે, તેમને કેસની ઔપચારિક વિધિઓ કરવામાં ભારે સમસ્યા નડી રહી છે કેમ કે, પદ્મજા પોતાને ભગવાન શિવનો અવતાર ગણાવે છે. આ બંનેને પાછળથી મેજીસ્ટ્રેટ સામે રજૂ કરાયા હતા અને પછી તિરૂપતિ સિવિલ હોસ્પિટલના માનસિક સારવાર અંગેના વોર્ડમાં સારવાર માટે ખસેડાયા હતા.