વડોદરા

શહેરમાં કોઈ અણબનાવ બન્યો ન હોવા છતાં રાત્રી કરફયૂ દરમિયાન નશો કરેલી હાલતમાં લાઈવ વીડિયો શૂટિંગ કરવા ફરી રહેલા બે નશેબાજ બોગસ પત્રકારોને વાડી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના વાડી પોલીસ મથકના જવાનો ગઈકાલે રાત્રે પેટ્રોલિંગની સાથે સાથે કોવિડ-૧૯ને લગતી કામગીરીમાં હતા તે દરમિયાન ગેંડીગેટ દરવાજા નજીક મોડી રાત્રે લગભગ અગિયાર વાગ્યાના સુમારે પલ્સર મોટર સાઈકલ ઉપર લાઇવ વીડિયો ચાલુ કરી જઈ રહેલા બે શખ્સોને પોલીસે હાથના ઇશારાથી અટકાવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં મોટરસાઈકલ ચાલક રાકેશભાઈ પાસવાન (રહે. શિવ મંદિરની પાસે, મકરપુરા ગામ) અને પાછળ બેસેલો શખ્સ ગોવિંદભાઈ ગુપ્તા (રહે. જયરામનગર, મકરપુરા) હોવાનું બહાર આવ્યું હતું. બંને શખ્સો નશો કરેલી હાલતમાં જણાતાં પોલીસે બંને શખ્સોનું બ્રેથ એનેલાઇઝર ચેક કરતા નશો કર્યો હોવાની વિગતો સપાટી પર આવી હતી. જેથી પોલીસે આરોપીઓની અટકાયત કરી તેમની પાસેથી મોબાઇલ ફોન, પલ્સર બાઈક તથા ન્યૂઝના આઇકાર્ડ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.