વ્યારા-

રાજ્યના વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામે મોપેડ પર જઈ રહેલી 2 મહિલા ટ્રેની પોલીસકર્મીઓને પિક વેનના ચાલકે ઓવરટેક કરવાના ચક્કરમાં અડફેટે લેતા તેમના મોત થયા હતા. આ ઘટના અંગે જાણ થતાં કાકરાપાર પીએસઆઇ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

ચીખલવાવ ગામે ગામીત ફળિયામાં રહેતી સ્મિતાબેન ગામીત અને વ્યારા તાલુકાના સરકૂવા ગામે રહેતી રિતિકાબેન ગામીતની અમુક સમય અગાઉ જ ગુજરાત પોલીસમાં ભરતી થઈ હતી. તેમની પસંદગી સુરત શહેર માટે કરવામા આવી હતી. આ બંને પોલીસકર્મીઓની તાપી જિલ્લામાં ઇ-ગુજકોપની ટ્રેનિંગ કાકરાપાર પોસ્ટમાં ચાલી રહી હતી.

સ્મિતા અને રિતિકા મોપેડ પર ગુજકોપની ટ્રેનિંગ માટે કાકરાપાર પોસ્ટ જવા નીકળ્યા હતા. આ સમયે વ્યારા-કાકરાપાર રોડ પર ચાપાવાડી ગામ પાસે પસાર થતા સમયે ઊંચા માળાથી આવતી પિકઅપ વેનના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી મહિલા પોલીસકર્મીની એક્ટિવાને અડફેટે લેતા અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે સ્મિતા ગામીત(27)ને ગંભીર ઇજાને કારણે સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.

સ્મિતાની સાથે પાછળ બેઠેલા રિતિકાને પણ ગંભીર ઈજાઓ થતા તેને પ્રાથમિક સારવાર વ્યારા ખાતે અપાયા બાદ સુરત લઈ જવામાં આવી હતી. જોકે સ્મિતાનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે કાકરાપાર પોસ્ટને જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી અને ફરાર થયેલા પિકઅપ વેન ચાલકની શોધખોળ હાથ ધરી હતી. 

સ્મિતાબેન ગામીત આઠેક માસથી જૂનાગઢ પીટીસી ખાતે ટ્રેનિંગમાં છે. તેમની પસંદગી સુરત શહેર ખાતે થયેલી હતી. હાલ તે ગુજકોપ ઓનલાઇન ટ્રેનિંગ માટે કાકારાપર પોલીસ મથકે અવર-જવર કરતી હતી. આ દરમિયાન અકસ્માત નડતા આશાસ્પદ યુવતીનું મોત નીપજતા ચીખલવાવ ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.