ગાંધીનગર, હાલમાં કોલ સેન્ટરો મારફતે છેતરપીંડીની ઘટનાઓ વધી રહી છે ત્યારે કોલગર્લ સર્વિસ પુરી પાડવાના બહાને કોલ સેન્ટર ચલાવી લોકો સાથે છેતરપીંડી આચરતી ટોળકીને પકડી પાડવામાં ગાંધીનગર એલસીબીને સફળતા મળી છે. એલસીબીએ અડાલજમાં ચાલી રહેલા ગેરકાયદે કોલ સેન્ટરો પર રેડ કરી હતી. એલસીબીએ કોલસેન્ટર ચલાવનારા ઈસમો પાસેથી કુલ એક લાખ ૬૭ હજારનો મુદ્દા માલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે ગાંધીનગર એલસીબીને મળેલી બાતમીને આધારે રેડ કરતાં અડાલજ ખાતેના દેવનંદન પરિસર-૨ના ફ્લેટમાંથી અમેરિકામાં લોન આપવાની કંપની ચલાવતાં હિમાંશુ પટેલ, મીલન પટેલને ઝડપી પાડ્યાં હતાં.  

આ આરોપીઓ ગ્રાહકોને પોતે અમેરિકાની સ્પીડી કેશ સર્વિસ લોન કંપની નામની લોન આપનાર કંપની તરીકેની ઓળખ આપી લોન આપવાનું કહીને અમેરિકાના નાગરીકોને સેકન્ડ લાઈન એપ્લિકેશન સોફ્ટવેર મારફતે અમેરિકાનો નંબર ડિસ્પ્લે કરીને કોલ કરતાં હતાં. તેઓ ઈન્ટરનેટના માધ્યમથી નાણાં મેળવીને ગેરકાયદેસર કોલસેન્ટર ચલાવતાં હતાં. આ બંને આરોપીઓ પાસેથી ૪ નંગ મોબાઈલ, બે નંગ લેપટોપ અને રાઉટર સહિત કુલ ૬૦ હજાર૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. બીજા બનાવમાં એલસીબીએ અડાલજ ખાતે આવેલ પાશ્વનાથ હોમ્સમાંથી અભિષેક શર્મા અને મુકેશ શુક્લા તથા દિપક મીશ્રા નામના આરોપીઓને પણ કોલગર્લનું બોગલ કોલસેન્ટર ચલાવતાં ઝડપી પાડ્યાં હતાં. આ આરોપીઓ ગેરકાયદે કોલ સેન્ટર ચલાવી ગ્રાહકોને સ્કાયપી એપ પર છોકરીઓના ફોટા તથા વીડિયો મોકલીને લલચાવી કોલગર્લ પુરી પાડવાની લોભામણી વાતટીત ચેટ મારફતે કરી કોલગર્લ પુરી પાડવાના ચાર્જ પેટે પૈસા એકાઉન્ટમાં ભરાવીને નાગરીકો સાથે છેતરપિંડી આચરતાં હતાં. ન્ઝ્રમ્એ આરોપીઓ પાસેથી ૪ નંગ મોબાઈલ, ૩ નંગ લેપટોપ મળીને કુલ એક લાખ ૭ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.