અમદાવાદ-

શહેરી વિકાસને આગળ ધપાવવા આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ત્રણ પ્રિલિમિનરી ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. તેમણે રાજકોટની પ્રારંભિક ટી.પી. સ્કીમ નં. ૨૬ (મવડી) તેમજ અમદાવાદ પૂર્વની ટી.પી ૧૦૬ (વસ્ત્રાલ રામોલ) અને અમદાવાદ પશ્ચિમ વિસ્તારની ટી.પી. ૬૪ (ત્રાગડ)ને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ આ ત્રણ પ્રિલિમિનરી ટી.પી.ને મંજૂરી આપતાં સામાજિક-આર્થિક રીતે નબળા વર્ગોના લોકો માટે આવાસ બાંધકામના હેતુથી કુલ ૧ લાખ ૨૧ હજાર ૩૨૪ ચોરસ મીટર જમીનો જે-તે સત્તામંડળને પ્રાપ્ત થશે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીએ ૨૦૨૦ના વર્ષમાં જ અત્યાર સુધીમાં ૧૮ ડ્રાફટ ટી.પી સ્કીમ, ૧૪ પ્રિલિમિનરી તથા ૪ ફાઈનલ એમ કુલ ૩૬ ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરી છે.

તેમજ રાજકોટની ટી.પી સ્કીમમાં ૫૯,૦૬૦ ચો.મીટર, અમદાવાદની વસ્ત્રાલ-રામોલ ટી.પી સ્કીમમાં ૪૦,૦૧૯ ચો.મીટર અને ત્રાગડની ટી.પી સ્કીમમાં ૨૨,૨૪૫ ચો.મીટર જમીન આવા આવાસ બાંધકામ માટે મળશે. મુખ્યમંત્રીએ મંજૂર કરેલી રાજકોટની ટી.પી ૨૬ (મવડી) અંદાજે ૧૨૫ હેકટર્સની છે અને તેના પરિણામે સત્તામંડળને કુલ ૬૭ પ્લોટ જાહેર હેતુ અને વેચાણ માટે મળશે. આ પ્લોટસનું કુલ ક્ષેત્રફળ ૨,૨૩,૯૪૭ ચો.મીટર છે. આ ટી.પી.માં વેચાણના હેતુ માટે ૯૧,૭૮૦ ચો.મીટર જમીન સત્તામંડળને પ્રાપ્ત થવાની છે.

મુખ્યમંત્રીએ મંજૂર કરેલી ત્રણ ટી.પી સ્કીમ એટલે કે ટી.પી સ્કીમ ૨૬ રાજકોટ(મવડી), અમદાવાદ પૂર્વની ટી.પી. ૧૦૬ (વસ્ત્રાલ-રામોલ) અને અમદાવાદ પશ્ચિમની ૬૪ ત્રાગડ એમ ત્રણેય ટી.પી.માં કુલ ૮૮,૭૬૧ ચો.મીટર જમીન જાહેર સુવિધાઓ માટે સત્તામંડળને મળશે. અમદાવાદ પૂર્વની ૧૨૫ હેકટર્સની ટી.પી-૧૦૬ (વસ્ત્રાલ-રામોલ)માં અન્વયે સત્તામંડળને ૨ લાખ ૪૮ હજાર ૪૦૫ ચો.મીટરના કુલ ૫૪ પ્લોટસ જાહેર હેતુ અને વેચાણ માટે મળશે. અમદાવાદ પશ્ચિમની ૭૦ હેકટર્સની ટી.પી.નં. ૬૪ ત્રાગડ અન્વયે ૧૯ જેટલા પ્લોટની કુલ ૧,૧૨,૭૪૩ ચો.મીટર જમીન સત્તામંડળને મળશે, તેમાંથી જાહેર હેતુ અને વેચાણ માટે ૫૩,૪૮૪ ચો.મીટર જમીન પ્રાપ્ત થવાની છે.