પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં પાંચ દિવસની વરસાદની આગાહી વચ્ચે શનિવારે એકાએક વાતાવરણમાં પલટો નોંધાયો હતો. જ્યાં વહેલી સવારે ગ્રામિણ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયા બાદ બપોર પછી કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા હતા.પાલનપુરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં શનિવારે એકાએક વાતાવરણમાં પલટો નોંધાયો હતો. જ્યાં વહેલી સવારે ગ્રામિણ વિસ્તારોમાં ગાઢ ધૂમમ્સ છવાઇ ગયું હતું. વાદળો જાણે જમીન ઉપર ઉતરી આવ્યા હોય એમ હિલ સ્ટેશન જેવો નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો.નજીકના અંતરે પણ જોઈ શકાતું ન હોઈ વાહન ચાલકોને હેડ લાઈટો ચાલુ કરવાની ફરજ પડી હતી.દરમિયાન બપોર પછી કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા હતા. પાલનપુર, વડગામ, અમીરગઢ સહિતના વિસ્તારોમાં ગાજ વીજ સાથે ભારે વરસાદ પડતાં લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.પાલનપુરમાં બપોર પછી બે કલાકમાં બે ઇંચ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જ્યાં મફતપુરામાં ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. રહીશો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ અંગે મજહરભાઈ કુરેશીએ જણાવ્યુ હતું કે, અમારા વિસ્તારમાં પાણીના નિકાલ માટે પાઇપ લાઈન નાંખવા નગરપાલિકામાં વારંવાર રજુઆત કરવામાં આવી હતી. જોકે, પાલિકાએ પાઇપ લાઈન નાખવાનું કામ શરૂ કર્યા પછી અડધું બાકી રાખતાં લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.શનિવારની સાંજના ગાજવીજ સાથે બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં અનેક ગ્રામીણ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે નીચાણવાળા ભાગોમાં પાણીનો ભરાવો થયોહતો. કેટલાક દિવસોથી ગરમી અને બફારાના માહોલ વચ્ચે વરસાદથી વાતાવરણમાં શીતળતા પ્રસરી હતી.