દિલ્હી-

તાજેતરના વર્ષોમાં ૧૩ લાખથી વધારે મજબૂત સૈનિકોનું બળ ધરાવતા જયપુર દક્ષિણ-પશ્ચિમ કમાન્ડ યાને એસડબલ્યુસી ના ટોચના જનરલોની વચ્ચે ખટરાગ થતાં સેનાએ આ સમગ્ર પ્રકરણમાં તપાસ કોર્ટ નિમવાનો નિર્ણય લીધો છે.

બે ટોચના જનરલો એસડબલ્યુસીના વડા લેફ્ટનન્ટ જનરલ આલોક ક્લેર અને તેમના બીજા ક્રમના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ કે કે રેપ્સવાલ વચ્ચેના ગજગ્રાહને પગલે આ બંનેએ એકબીજા સામે ફરીયાદો કરી હતી, પરંતુ હવે મંગળવારે તેમણે પોતાની ફરીયાદો પાછી ખેંચી લીધી છે એમ સૂત્રોએ જણાવ્યું હતું.

જાે કે, આ બાબતે સેનાના વડા એમ એમ નરવણે દ્વારા નિર્ણય લેવાશે કેમ કે, તેમને હજી આ બાબતે રીપોર્ટ સોંપાવાનો બાકી છે, અને તેઓ આ બાબતે ઉચ્ચ સત્તા ગણાય. લખનૌ સેન્ટ્રલ કમાન્ડ ચીફ લેફ્ટનન્ટ જનરલ આઈ એસ ગુમાન આ બંને જનરલોથી સિનિયર છે.

કેવા પ્રકારના આક્ષેપો થયા છે

સૂત્રોના જણાવ્યાનુસાર, આ બંને જનરલો ખૂબ જ પ્રભાવશાળી પરીવારોમાંથી આવે છે, જેમાંના કેટલાકે સેના અને વાયુદળમાં ટોચના અધિકારીઓ તરીકે સેવા આપી છે. આ બંને અધિકારીઓએ એકબીજા પર જે પ્રકારના આક્ષેપો કર્યા છે, તેમાં પ્રશાસનને લગતી ભૂલો ઉપરાંત કાર્યશૈલીની ભૂલોનો સમાવેશ થાય છે, તો કેટલાંક કિસ્સાઓમાં આ આક્ષેપો સત્તાના દુરુપયોગ સુધી લંબાયા છે.

બંને પ્રભાવશાળી પરીવારના સભ્યો

જનરલ ક્લેર માર્ચમાં નિવૃત્ત થવાના છે, જ્યારે ઈજનેરી પશ્ચાદભૂ ધરાવતા જનરલ રેપ્સવાલને ટ્રાન્સફર કરીને કોલકાતાના પૂર્વીય કમાન્ડ ખાતે મોકલી અપાયા છે. ગયા વર્ષે સેનાના વડાને આ બંને અધિકારીઓએ એકબીજાની વર્તણૂંક માટે ફરીયાદો કરવાની ચાલુ રાખી હતી. સેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે, એમ એમ નરવણે દ્વારા આ બાબતે વધારે તપાસ સોંપવામાં આવશે કેમ કે, તેમના દ્વારા થયેલા આક્ષેપો વધારે ઊંડી તપાસ માંગી લે એ પ્રકારના છે. સેનાના કમાન્ડરો અને તેમના વરીષ્ઠ સાથીઓ વચ્ચે મતભેદોની ઘટનાઓ તો છેલ્લા બે-ત્રણ દાયકાઓથી ચાલી આવી છે, પરંતુ પહેલીવાર આ બાબત આટલી વણસી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.