કલોલ

ગાંધીનગરના કલોલમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. કલોલના પંચવટી વિસ્તારમાં આવેલી ગાર્ડન સિટીમાં આજે સવારે અચાનક એક ઘરની નીચે મોટો બ્લાસ્ટ થયો હતો. જેમાં બે મકાન ધરાશાયી થયા હતા. આ ઘટનામાં ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે, ગેસ ફોલ્ટ કે અન્ય કારણોસર જમીનમાં ધડાકા થયો હશે, જેના કારણે આ દુર્ઘટના બની છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ ઘટનામાં હાલ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, ઘરની નીચેથી પસાર થઈ રહેલી ઓએનજીસી પાઈપલાઈનમાં બ્લાસ્ટ થયો હોવાની લોકો આશંકા સેવી રહ્યા છે.

આ બ્લાસ્ટની ઘટનામાં ૩ લોકો ઈજાગ્રસ્ત બન્યા છે. બ્લાસ્ટ થવાનું સાચું કારણ હજુ અકબંધ છે. કાટમાળમાં દટાયેલા એક વ્યકિતની શોધખોળ હાલ ચાલુ છે. વહેલી સવારે થયેલા ધડાકાના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જે મકાન ધરાશાયી થયા તેની આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો. ગાંધીનગર જિલ્લાના કલોલના પંચવટી વિસ્તારમાં આવેલી ગાર્ડન સિટીમાં બે મકાનોમાં આજે સવારે મોટો બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટની ઘટનામાં ૩ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી પણ સામે આવી રહી છે.

આ ઘટના વિશે જ્યારે સ્થાનિકોને પુછવામાં આવ્યું, ત્યારે લોકોએ જણાવ્યું હતું કે, બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારના મકાનના બારીના કાચ તૂટી ગયા હતા. અચાનક મકાન ધરાશાયી થતા બે લોકો દટાઇ ગયા હતા. જેમાથી એક વ્યક્તિને બહાર કાઢી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.