વડોદરા : વિતેલા છેલ્લા ર૪ કલાક દરમિયાન વડોદરા શહેર-જિલ્લામાં વાહનના બે અકસ્માતના બનાવો સર્જાતાં એક દંપતી સહિત ચાર વ્યક્તિના મોત નીપજ્યાં હતાં. પોલીસે અકસ્માત મોતના બનાવની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતકોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયા હતા. 

અકસ્માત મોતના બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મૂળ બિહાર મુઝફફરનગરના અંતરિયાળ ગામના વતની વિવેકકુમાર કનૈયાલાલ શાહ (ઉં.વ.૩૪) દીપકકુમાર રામબાબુ સીંગ (ઉં.વ.૨૬) વડોદરા શહેરના નંદેસરી ખાતે આવેલ એલ એન્ડ ટી કંપનીમાં મજૂરીકામ કરતા હતા અને કંપનીના કંપાઉન્ડમાં રહેતા હતા. વિવેકકુમાર શાહને વતનમાં જવાનું હોવાથી દીપકકુમાર સિંગ બાઈક ઉપર રાત્રિના સમયે છાયાપુરી રેલવે સ્ટેશન પર વિવેકકુમારને મુકવા માટે જતા હતા. આ બંને યુવાનો બાઈક પર જીએસએફસી મેઈન ગેટવાળા રોડ પરથી જતા હતા તે વખતે ગોંડલ ડેપોની એસ.ટી બસ છોટાઉદેપુરથી ગોંડલ જતી હતી એ દરમિયાન એસ.ટી. બસના ડ્રાઈવર ભલુભાઈ લાખાભાઈએ જીએસએફસી કંપનીના ગેટ પાસે બાઈકને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં બંને યુવાનોને શારીરિક ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં દીપકકુમાર સિંગનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે વિવેકકુમાર શાહને સારવાર માટે ૧૦૮ દ્વારા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું પણ ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. છાણી પોલીસે અકસ્માત મોત અંગેની કાર્યવાહી કરી એસ.ટી. બસના ડ્રાઈવરની અટકાયત કરી હતી.

જ્યારે અકસ્માત મોતના બીજા બનાવની વિગત મુજબ મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના અંતરિયાળ ગામે રહેતા ભાવસાર દંપતી પોતાની કાર લઈને અંગત કામ માટે બોડેલી તરફી આવી રહ્યું હતું, તે વખતે દંપતીની કારને પાટણા ગામના ટર્ન્િંાગ પાસે સામેથી પૂરઝડપે આવતી કારના ચાલકે ભાવસાર દંપતીની કારને જાેરદાર ટક્કર મારી હતી, જેમાં ચંદ્રકાન્તભાઈ રમેશભાઈ ભાવસાર અને તેમના પત્ની મોનિકાબેન ભાવસારને ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓને બોડેલી ખાતે દવાખાને સારવાર માટે લઈ જવાયાં હતાં, ત્યાંથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ શહેરની સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યાં હતાં, જ્યાં દંપતીનંુ મોત નીપજ્યું હતું. પોલીસે કાર્યવાહી કરી તેમના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે કોલ્ડરૂમમાં ખસેડવામાં આવ્યા હતા.